ઉધારી ઉપર નભતા પાકે. 2035 સુધીમાં ચંદ્ર ઉપર લેન્ડિંગની યોજના બનાવી
ઈસ્લામાબાદ, તા.પ: આતંકવાદથી
ખદબદતું અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(આઈએમએફ)નાં ધિરાણનાં ભરોસે ચાલતું પાકિસ્તાન
હવે ચંદ્ર ઉપર પહોંચવાનાં સપના જોઈ રહ્યું છે. પાકિસ્તાને વર્ષ 2035 સુધીમાં ભારતની
જેમ ચંદ્ર ઉપર રોવર પહોંચાડવાની યોજના ઘડી કાઢી છે. ચંદ્ર ઉપર ભારત બે વર્ષ પહેલા જ
પહોંચી ચૂક્યું છે અને કહેવામાં આવે છે કે, પાકિસ્તાને ભારતની સરખામણીએ આશરે દસેક વર્ષ
પહેલા જ પોતાનો અંતરિક્ષ કાર્યક્રમ શરૂ કરી દીધો હતો અને હવે તે આવનારા દસ વર્ષમાં
ભારત જેવી સિદ્ધિ મેળવવાની તૈયારી કરી રહ્યું છે.
પાકિસ્તાને સુપારકો એટલે કે સ્પેસ
એન્ડ અપર એટમોસ્પિયર રિસર્ચ કમિશનને આ અભિયાન સોંપ્યું છે. ખાસ વાત એ છે કે, અત્યાર
સુધીમાં સુપારકોએ પોતાના દમ ઉપર અને ચીનની મદદ વગર કોઈપણ અવકાશ અભિયાન કે સેટેલાઈટ
લોન્ચ પણ કર્યુ નથી. અન્ય એક અહેવાલ અનુસાર ચીન વર્ષ 2028નાં ચેન્જ-8 મિશનમાં ચંદ્ર
ઉપર જવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં પાકિસ્તાન પણ 35 કિલોગ્રામનાં રોવર આપવાનું
છે.