કોંગ્રેસ સાંસદ સુધા રામકૃષ્ણને કહ્યું, ચેઈન લૂંટવા સાથે કપડાં પણ ફાડી નાખ્યા, કોઈ મદદે ન આવ્યું
નવીદિલ્હી, તા.4: દેશની રાજધાની
દિલ્હીમાં કાયદો-વ્યવસ્થા અને સલામતી સામે ગંભીર સવાલ ખડા કરતી એક ઘટનામાં કોંગ્રેસનાં
સાંસદ સુધા રામકૃષ્ણનનાં ચેઈનની ચીલઝડપ થઈ થતાં ખળભળાટ મચી ગયો હતો. જો સાંસદ-વિધાયકો
પણ રાજધાનીમાં સુરક્ષિત ન હોય તો પછી આમજનતાની સ્થિતિ કેવી કફોડી હશે તેવો પ્રશ્ન છાપરે
ચડીને પોકારવા લાગ્યો હતો.
સાંસદ સુધા રામકૃષ્ણને આ ઘટના
વિશે આપેલા વિવરણ અનુસાર ચોરે તેમનો ચેઈન જ નહોતો આંચકી લીધો બલ્કે કપડા પણ ફાડી નાખ્યા
હતાં. તેમણે આગળ કહ્યું હતું કે, હું હજી પણ આઘાતમાં છું. આ દેશમાં મહિલાઓ ક્યાંય સલામત
નથી. દિલ્હીમાં અત્યારે એક મહિલા જ મુખ્યમંત્રી છે પણ મહિલાઓ જ અહીં સુરક્ષિત નથી.
કોંગ્રેસનાં મહિલા સાંસદે આગળ
કહ્યું હતું કે, આરોપીએ મારો ચેઈન લૂંટીને કપડા પણ ફાડી નાખ્યા હતાં. એ વખતે ધ્રાસ્કો
પડી ગયો હતો અને હું મારા કપડાં સરખા કરવામાં રહી તો ચેઈન ખેંચાઈ ગયાનું ધ્યાન રહ્યું
નહોતું. આ ઘટના બની અને પછી આરોપી નાસી છૂટયો ત્યારે મેં મોટેથી ચીસો પાડી હતી અને
રસ્તા ઉપર ઘણાં લોકો હોવા છતાં કોઈએ મારી મદદ કરી નહોતી. ત્યાર બાદ હું તામિલનાડુ ગેસ્ટ
હાઉસ તરફ ગઈ, જ્યાં મને બે પોલીસ અધિકારી દેખાયા હતાં. મેં તેમણે સમગ્ર ઘટના જણાવી
પણ તેમણે પણ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. તેમણે પણ ફક્ત મારો ફોન નંબર લઈને મારું નામ
જાણ્યું હતું. તેમણે મને પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ નોંધાવવા કહ્યું હતું.
આ ઘટના વિશે સુધાએ કોંગ્રેસનાં
નેતા પ્રિયંકા ગાંધીને પણ જાણ કરી હતી અને ત્યારબાદ પ્રિયંકાએ લોકસભા સ્પીકર પાસે લઈ
ગયા હતાં અને ફરિયાદ કરી હતી. આ ઉપરાંત સુધાએ દેશનાં ગૃહમંત્રીને પણ ઈ-મેઈલ લખ્યો છે.
જેનો હજી સુધી કોઈ જવાબ આવ્યો ન હોવાનું તેમણે કહ્યું હતું.