• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

તળાજામાં પ્રાંત, મામલતદાર, ખાણ ખનીજની રેકી કરતો શખસ ઝડપાયો ખનીજ માફિયાને માહિતી પહોંચાડવાના 1 હજારથી 1500 વસૂલતો

તળાજા, તા.16: (ફૂલછાબ ન્યુઝ)

તળાજા પંથક ખનન માફિયાઓનું હબ છે. અનેક પ્રકારના ખનીજની ચોરીઓ અહીં થાય છે.ખનીજ ચોરો દ્વારા વર્ષોથી ખાણ ખનીજ વિભાગથી લઈ સંબંધિત વિભાગના જિલ્લા અને તાલુકા લેવલના અધિકારીઓના ઘરથી જ્યારે નીકળે ત્યારથી જ રેકી શરુ કરી દેવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ મોડ્સ ઓપરેન્ડીને જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રીએ રૂબરૂ પકડી લીધી છે. જેને લઈ તળાજાના ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ભાવનગરમાં છેલ્લા ત્રણ મહિનાથી ભૂસ્તરશાસ્ત્રી તરીકે ફરજ બજાવતા કલાસ-1 અધિકારી ભરત મગનભાઈ જાલોંધારા ઉ.વ.38 એ તળાજા પોલીસ મથકમાં અહીંના હુડકો વિસ્તારમા રહેતા ચેતન ઉર્ફે ટકો ભુપતભાઈ ચૌહાણ વિરુદ્ધ આઇપીસી

કલમ 186,120બી મુજબ ફરિયાદ નોંધાવી છે.

આરોપ છે કે આજ તા.15ના રોજ ખનનકર્તાઓ વિરુદ્ધ કામગીરીના ભાગ રૂપે મહુવા જવા માટે તળાજા નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સાંજે 19:30 કલાકે બાતમી મળેલકે શેત્રુંજીના પુલ પાસે પ્રારંભ હોટલ સામે આરોપી બેઠો છે. તે પોતાના મોબાઈલમાં ‘જય સિકોતર’નામનું વ્હોટશેપ ગ્રુપ ચલાવે છે. તેમાં ફરિયાદી સહિતના લોકેશન શેર કરે છે.

જેને લઈ તપાસ કરવામાં આવતા આરોપી મળી આવતા તેનો મોબાઈલ ચેક કરતા સવારના ભાવનગરથી અલંગ સુધીના લોકેશન, ભાવનગરથી તળાજા સુધીના વોઇસ મેસેજ જોવા મળ્યા હતા.

આરોપ એવો પણ લગાવવામા આવ્યો છે કે અન્ય માણસો રાખી કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદાર કચેરીના અધિકારીઓની પાછળ, ઘરની આસપાસ રહી ખનીજ ખોદકામ કરતા, વહન અને સંગ્રહ સાથે સંકળાયેલાને માહિતી પહોંચાડવાનું કામ કરતો હતો. જેના માટે રૂ.1000 થી 1500 રૂપિયા વસુલ કરતો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક