• રવિવાર, 21 જુલાઈ, 2024

પોરબંદરમાં વોકિંગમાં નીકળેલાં વૃદ્ધાનું વાહન અડફેટે મૃત્યુ નેત્રમના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ

પોરબંદર, તા.15 : પોરબંદરની એચ.એમ.પી. કોલોનીમાં વાકિંગ કરવા નીકળેલાં વૃદ્ધાનું ફોરવ્હીલ અડફેટે મૃત્યુ  નીપજતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હીટ એન્ડ રનની આ ઘટનામાં નેત્રમના સીસીટીવી ફૂટેજ પોલીસ માટે ગુનાનો ભેદ ઉકેલવા માટે ઉપયોગી બનશે.

છાંયાના નિલકંઠ મહાદેવ મંદિર પાસે રહેતા અમિતગીરી નટવરગીરીએ બનાવ અંગે કમલાબાગ પોલીસ મથકમાં  ફરિયાદ નોંધાવી છે. તેમનાં ફઈ જ્યોત્સનાબેન ગાવિંદગીરી (ઉં.વ.61) નિત્યક્રમ પ્રમાણે રાત્રે 9:00 વાગ્યે ભોજન લીધા બાદ વાકિંગ માટે રઘુવંશી સોસાયટીથી એચ.એમ.પી. કોલોનીના ગેટ સુધી જતા હતા. એ દરમિયાન અજાણ્યા ફોર વ્હીલના ચાલકે જ્યોત્સનાબેનને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ વાહનચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા ફરિયાદી અમિતગીરી ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

જ્યોત્સનાબેનને સરકારી ભાવાસિંહજી હોસ્પિટલ ખાતે ઇમરજન્સી સેવા 108માં લઈ જવાયા હતા. જ્યાં તપાસ કરવામાં આવતા ગંભીર ઈજાને લીધે જ્યોત્સનાબેનનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર થતાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી થઈ હતી. આ કેસમાં વાહન ચાલક સામે ફરિયાદ થઈ છે.

ઉલ્લેખનીય છે કે, એચ.એમ.પી.કોલોનીના ગેટ પાસે અને કર્લી પુલ પાસે પોલીસના નેત્રમ પ્રોજેક્ટના સી.સી.ટી.વી. કેમેરા આવેલા છે. જેથી આ ગુનાનો ભેદ ઉકેલવા માટેની પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક