• શનિવાર, 04 મે, 2024

જામનગરમાં અકસ્માતના નાટક કરી બે લોકો પાસેથી રોકડ-મોબાઈલ ઝૂંટવી લેવાયા

બે અજાણ્યા શખસોની શોધખોળ

જામનગર તા.22 : જામનગરમાં બેડી પાસે આવેલ વૈશાલીનગરમાં રહેતા ડાયાભાઈ ભીખાભાઈ ચાવડા નામના પ્રૌઢ દિ.પ્લોટ વિસ્તારની શેરી નં.49માંથી પોતાના સ્કૂટર પર જતા હતા ત્યારે અચાનક જ એક મોટરસાયકલમાં ધસી આવેલા બે શખસે પોતાનું મોટરસાયકલ આડુ રાખીને તારી ગાડી અમારી ગાડી સાથે કેમ અથડાવી ? તેમ કહી તારે ખર્ચો આપવો પડશે તેમ કહી પૈસાની માંગણી કરી બે ફડાકા ઝીંકી દીધા હતાં.ઉપરાંત વધુ માર મારવાની ધમકી આપી પ્રૌઢના ખિસ્સામાંથી રૂા.2500 રોકડા તથા ડ્રાઈવીંગ લાયસન્સની ઝેરોક્ષ તથા રૂા.5 હજારના મોબાઈલની લૂંટ ચલાવી નાસી ગયા હતાં. ડાયાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

બીજો બનાવ જામનગરના મેહુલનગર રોડ પર એમ્યુઝમેન્ટ પાર્ક પાસે રહેતા શૈલેષભાઈ નરશીભાઈ લાડપરા નામનો પટેલ યુવાન પોતે જે દુકાનમાં નોકરી કરે છે ત્યાંથી સીલીંગ ફેન લઈને એક ગ્રાહકને આપવા માટે હાપા માર્કેટ યાર્ડ રોડ પર જતો હતો ત્યારે રેલવે ફાટક નજીક બે અજાણ્યા શખસો આવી ચડયા હતા અને શૈલેષભાઈને રોકીને કહેલ કે તમારૂં મોટરસાયકલ અમને ભટકાઈ જતા મારા મોબાઈલની ડિસ્પ્લે તૂટી ગઈ છે, તમારે રૂા.બે હજાર ખર્ચાના આપવા પડશે.

ગભરાઈ ગયેલા શૈલેષભાઈએ પોતાના મિત્ર શકીલને ફોન કરી આ વ્યકિતઓ કોણ છે તેની સાથે વાત કરી લેવા માટે કહેતા આ બંને શખસોએ મોબાઈલ આપો વાત કરી લઈએ તેમ કહી શૈલેષભાઈ પાસેથી મોબાઈલ લઈ લીધા બાદ રૂ.10 હજારની કિંમતનો મોબાઈલ ઝુંટવી લઈ પલાયન થઈ ગયા હતાં. બાદ જી.જી.હોસ્પિટલમાં આવીને ખર્ચાના રૂા.10 હજાર આપી જાવ અને મોબાઈલ લઈ જાવ તેમ કહી બળજબરીથી રૂપિયા કઢાવવાનો પ્રયત્ન કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક