• શુક્રવાર, 03 મે, 2024

અમદાવાદથી એરકાર્ગોમાં મોકલાવેલા વેપારીના રૂ.33 લાખના સોનાની ચોરી અમદાવાદથી પટણા વચ્ચે ચોરી થઈ : સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ

અમદાવાદ, તા. રર : અમદાવાદના એરકાર્ગોથી પટણા એરકાર્ગો મારફત મોકલવામાં આવેલ રૂ.33 લાખના સોનાની ચોરી થયાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એરપોર્ટના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી અને આ પ્રકરણમાં એરપોર્ટના સ્ટાફની સંડોવણી છે કે કેમ તે સંદર્ભે પણ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ચાર માસ પહેલા રાજકોટની બ્રાંચમાંથી એક જવેલરી શોપના વેપારીએ રૂ.33 લાખની કિંમતનું સોનું અમદાવાદ મોકલ્યું હતું અને આ સોનું પટણા ખાતે મોકલવાનું હતું અને આ સોનાનું પાર્સલ અમદાવાદ એરપોર્ટ એરકાર્ગો પરથી ઈન્ડિગો એરલાઈનથી પટણા મોકલ્યું હતું પરંતુ તેની લોજીસ્ટીક કંપનીને આ પાર્સલ મળ્યું નહોતું. આ અંગે ઈન્ડિગો એરલાઈન અને કાર્ગો પર તપાસ કરવામાં આવી હતી પરંતુ 33 લાખનું સોનાનું પાર્સલ મળ્યું નહોતું.

આ ચોરી અમદાવાદ કાર્ગોથી પટણા એરપોર્ટના કાર્ગો વચ્ચે થઈ હોવાની શક્યતાના આધારે અમદાવાદ એરપોર્ટ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે એરપોર્ટના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી અને એરપોર્ટના એરકાર્ગો અથવા એરલાઈન કંપનીના સ્ટાફની સંડોવણીની આશંકાએ તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક