• શુક્રવાર, 08 નવેમ્બર, 2024

જેતપુર : બાળકનાં અપહરણ-ખંડણી કેસમાં ઇજના જવાનને 7 વર્ષની કેદ

જેતપુર, તા.26: જેતપુર શહેરમાંથી આઠ વર્ષ પૂર્વે બીએસએફના જવાન દ્વારા એક ચાર વર્ષનાં બાળકનું લગ્નના પાર્ટી પ્લોટમાંથી અપહરણ કરવાના ચર્ચાસ્પદ બનાવનો કેસ એડિશનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી બીએસએફ જવાનને સાત વર્ષની સખત કેદ અને દસ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી હતી.

શહેરના જનતા નગર આલ્ફા સ્કૂલ પાસે રહેતા કિશોરભાઈ રાખોલિયા 17 ફેબ્રુઆરી, 2016ના સાંજના સમયે પોતાના મિત્ર રસિકભાઈ વેકરિયાની પુત્રીના લગ્ન સમારોહમાં રજવાડી પાર્ટી પ્લોટ ખાતે પરિવાર સાથે ગયેલ હતા ત્યારે તેની સાથે રહેલ તેનો ચાર વર્ષનો પુત્ર રુદ્ર ગુમ થઈ જતાં કિશોરભાઈએ સિટી પોલીસ સ્ટેશનમાં રુદ્રનાં અપહરણની અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. ચાર વર્ષનાં બાળકનાં અપહરણની ફરિયાદ થતાં જ પોલીસ વિભાગે રુદ્રનો ફોટો પોલીસ ગ્રુપ તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

તેમાં બનવા જોગ તત્કાલીન કોટડા સાંગાણી પીએસઆઇ આર. જે. રામ સાથી પીએસઆઇ સાથે પોલીસ ટ્રેનિંગમાં ટ્રેન મારફત જતા હતા ત્યારે તેમના મોબાઇલ પર પણ રુદ્રનો ફોટો આવેલ અને જે ફોટો આવેલ તેવો જ એક બાળક એક યુવાન સાથે તેમની સામેની સીટ પર જ બેઠો હતો. જેથી પીએસઆઇ રામે સતર્કતા વાપરી બાળકનો ફોટો અપહરણકારની જાણ બહાર કેપ્ચર કરી તપાસનીશ અધિકારીને મોકલેલ અને તપાસનીશે તે ફોટો ફરિયાદીને બતાવતા ફોટાવાળો બાળક પોતાનો જ પુત્ર હોવાનું જણાવેલ. જે જાણ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ પીએસઆઇને જાણ કરાઈ અને ટ્રેન મહારાષ્ટ્રના ભુસાવાલ સ્ટેશને પહોંચતા ત્યાંની પોલીસને પણ અગાઉથી જાણ કરી તે પોલીસની મદદથી પીએસઆઇ રામ દ્વારા અપહરણકારના ચુંગાલમાંથી રુદ્રને હેમખેમ બચાવીને આરોપીને ઝડપી લીધો હતો.

આરોપીને પોલીસે દબોચ્યા બાદ આરોપી બીએસએફમાં પંજાબમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો રાકેશપ્રસાદાસિંહ અવધેશનારાયણ સિંહ રાજપૂત હોવાનું ખૂલ્યું હતું અને આરોપીને પોતાની પુત્રીના લગ્ન માટે દહેજની રકમ એકઠી કરવા બાળકના પિતા પાસેથી ખંડણી વસૂલવા બાળકનું અપહરણ કર્યું હોવાનું સ્વીકાર્યું હતું. બાળકનાં અપહરણના તત્કાલીન સમયે ચર્ચાસ્પદ બનેલ આ ગુનાનો કેસ એડિશનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં  સરકારી વકીલ કે.એ. પંડયાએ 34 સાહેદ અને વીસ દસ્તાવેજી પુરાવા સાથેની દલીલના આધારે એડિશનલ સેસન્સ જજ એલ. જી. ચુડાસમાએ આરોપી બીએસએફ જવાનને દોષિત ઠેરવી સાત વર્ષની સખત કેદ અને દસ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક