જામનગર, તા. 2: જામનગર શહેરમાં નિ:સંતાન એક વયોવૃધ્ધ સાથે રૂ.34.27 લાખના શેયર્સ અને રોકડ રૂ.4 લાખનું ફ્રોડ થયાની ફરિયાદ પરથી જામનગર સાયબર ક્રાઈમ સેલની ટીમે તપાસ હાથ ધરીને અગિયાર મહિનાની મહેનત બાદ ફ્રોડમાં ગુમાવેલા શેયર્સ અને રોકડ રૂપિયા મળીને કુલ રૂ.38.23 લાખ પરત અપાવ્યા હતા.
શહેરના ખોજાનાકા વિસ્તારમાં રહેતા અસદુલ્લાખાન મહમદખાન લોહાની (ઉં.વ.67) નામના વૃદ્ધ નિ:સંતાન હોય અને તેઓ પાસે 1990માં લીધેલા શેર હોય અને તેને 2001માં ઓનલાઇન કરાવ્યા હતા. જે બાદ વર્ષ 2022માં તેમણે રૂ.34,23,000ની કિંમતના ડિમેટ શેયર્સ અને બેન્ક ખાતામાંથી રોકડ રૂ.4 લાખ ઓનલાઇન અન્યના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતાં. જે અંગેની વૃદ્ધે જામનગર સાયબર ક્રાઇમ સેલમાં લેખિતમાં અરજી કરી હતી. જે અરજીના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ પી. પી. ઝા તેમજ કુલદીપાસિંહ સહિતનાએ તપાસ હાથ ધરીને ટીમે સ્ટોક બ્રોકર અને બેન્ક સાથે સંકલન કરીને કુલ રૂ.38,23,000 અગિયાર મહિના પછી પરત કરાવ્યા છે. આ કારસ્તાન વૃદ્ધના સંબંધીએ જ કર્યું હોવાથી ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.