• શનિવાર, 27 જુલાઈ, 2024

કાલાવડમાં વેપારીના મકાનને નિશાન બનાવતા  તસ્કરો, રૂ. 1.75 લાખની રોકડની ચોરી વેપારીની પત્ની બાજુના ઘરમાં આંટો મારવા ગઈ ને તસ્કરો ખાબક્યા

જામનગર, તા. 1: કાલાવડમાં વેપારીના મકાનને તસ્કરોએ નિશાન બનાવીને રૂપિયા પોણા બે લાખની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જાણભેદુ હોવાની શંકાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે, કાલાવડમાં આવેલી પારેખ શેરીમાં રહેતા અને અનાજ કરિયાણાની દુકાન ધરાવતા દેવનદાસ આસુમલ ગંગવાણી(ઉં.65) નામના સિંધિ લોહાણા વેપારીની પત્ની ગઈકાલે સાંજે 6થી 6.30ના વાગ્યા સુધીના સમયગાળામાં પોતાનું મકાન ખુલ્લું રાખીને બાજુમાં આવેલા મકાનમાં આંટો મારવા માટે ગઈ હતી ત્યારે કોઈ અજાણ્યો શખસ મકાનમાં ઘૂસીને કબાટમાં રાખેલી રૂપિયા 1.08 લાખીની રોકડ ભરેલી થેલી, વેપારીના પત્નીના પર્સમાંથી રૂપિયા 66700ની રોકડ મળીને રૂપિયા 1.75 લાખની ચોરી કરી ગયો હતો.

બાજુના ઘરમાંથી વેપારીની પત્ની જ્યારે ઘરે આવી ત્યારે ઘરમાં નિરિક્ષણ કરતા કબાટ ખુલ્લા હોવાનું અને કેટલીક રોકડ રકમ જમીન પર પડેલી હોવાનું ધ્યાને આવતા તુરંત જ તેણીના પતિને જાણ કરીને ઘરે બોલાવી લીધા હતા. આ અંગેની જાણ કાલાવડ પોલીસ સ્ટેશનને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.  પોલીસની તપાસમાં કબાટમાં અન્ય રોકડ રકમ અને દાગીના મળી આવ્યાં હતાં. તસ્કરો માત્ર રૂપિયા 1.75 લાખની રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હોય કોઈ જાણભેદુ હોવાની શંકાએ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક