• શનિવાર, 27 જુલાઈ, 2024

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મહિલા દર્દીની 1.31 લાખની મતાની ચોરી લિફટમાં અજાણી મહિલા બેગમાં રોકડ, સોનાનો ચેન ચોરીને પલાયન

જૂનાગઢ, તા.30 : જૂનાગઢ સિવિલ હોસ્પિટલની લિફટમાં મહિલા દર્દીની 1.31 લાખની મતા ચોરીને અજાણી મહિલા નાસી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલા જીવનપાર્કમાં રહેતા કુસુમબેન મોહનભાઈ મર્થક નામના વૃદ્ધા બુધવારે સવારે ગોઠણની સારવાર માટે પુત્રવધૂ ઈલાબેન અને પાડોશી વર્ષાબેન સાથે સિવિલ હોસ્પિટલમાં ગયા હતાં. ત્રણેય મહિલાને બીજા માળે જવું હતું પરતુ લિફટમાં ટ્રાફિક હોવાથી ઈલાબેન અને વર્ષાબેન સીડી વાટે ઉપરના માળે ગયા હતાં. જ્યારે કુસુમબેન બીજા માળે જવા માટે ચાર ત્રી અને બે પુરુષ સાથે લિફટમાં ગયા હતા.

દરમિયાન કુસુમબેન પાસેની કાપડની બેગમાં કાપો મારી અજાણી મહિલા રૂપિયા 2500ની રોકડ, 20 ગ્રામ સોનાનો ચેન, પાન કાર્ડ અને સાદી માળા સહિતની રૂપિયા 1,34,840ની માલમતાની ચોરી કરીને નાસી ગઈ હતી. આ અંગે વૃદ્ધાએ ગુરુવારે ફરિયાદ કરતાં એ-િડવિઝન પોલીસે ગુનો નોંધીને અજાણી મહિલાની શોધખોળ હાથ ધરી છે.

સિવિલ હોસ્પિટલમાંથી વાહનની ચોરીની સાથે હવે માલમતાની ચોરીની ઘટના પણ બનવા લાગતા દર્દીઓ અને તેમના સગા વહાલાઓમાં ભય ફેલાયો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક