ગોંડલ, તા.25:ગોંડલ તાલુકાના ભરૂડી ગામ પાસે આવેલી એન્જિનિયારિંગ કંપનીમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. કંપનીના કમ્પાઉન્ડમાં ક્રેન દ્વારા વજનદાર સળિયા લઈ જતી વખતે એક શ્રમિક યુવક સળિયાનું સંતુલન જાળવવા સાથે ચાલતો હતો, ત્યારે અચાનક તે નીચે પડી જતાં ક્રેનનું ટાયર તેના પર ફરી વળ્યું હતું. આ કમકમાટીભર્યા અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જેના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે મૃતકના કાકા હરીપ્રસાદે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ક્રેન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માત સમયે ક્રેન પૂરઝડપે ચાલી રહી હતી, જેના કારણે ઓમકારપાલ નામના યુવકને જીવ ગુમાવવો પડયો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ક્રેન ચાલક સામે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.