• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

ખંભાળિયા પાસે ખેડૂતોની જમીનમાંથી રેલવેએ રસ્તો કાઢતા ઉપવાસ આંદોલન

ખેડૂતોની મંજૂરી વગર કામ થતું હોવાથી રોષ

 

ખંભાળિયા: શહેરની નજીક આવેલા હર્ષદપુરના ખેડૂતોની 40-40 વર્ષની કબજાવાળી જમીન પર રેલવે તંત્ર દ્વારા કોઈ વળતર

કે સૂચના, મંજૂરી વગર રેલવે ટ્રેક નાખવા રસ્તો બનાવવાની કામગીરી ચાલુ કરાતાં ખેડૂતોએ વિરોધ કર્યો છે. સ્થાનિક તંત્ર, જિલ્લા તંત્રને વારંવાર રજૂઆત છતાં પણ પગલા ન લેવાતા ખેડૂતો પરેશાન છે. દ્વારકા બાયપાસ રોડ પર સર્કિટ હાઉસ પાસે હર્ષદપુરના વિસ્તારમાં માંડવો નાખીને ચાર દિવસથી પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.

હર્ષદપુર ગામના સતવારા સમાજના ખેડૂતોને અન્યાયના મોટા બોર્ડ સાથે મહિલાઓ સહિત ખેડૂત પરિવારો, વૃદ્ધજનો પણ પ્રતીક ઉપવાસમાં જોડાયા છે. આંદોલન ખેડૂતો અગ્રણી એચ. એચ.નકુમ, સુભાષ દામજીભાઈ નકુમ, ડાયાલાલ રૂડાભાઈ નકુમ સહિતનાએ જણાવ્યા પ્રમાણે, છેલ્લા બે વર્ષથી હર્ષદપુરના અનેક ખેડૂતો શાંતિથી ઉંઘ પણ કરી શકતા નથી. 45-45 વર્ષથી ખેડૂતોની માલિકીની જમીન છે, જેમાં તેઓ ખેતી કરે છે. તથા રેવન્યુ રેકોર્ડમાં પણ ઉત્તરોત્તર ખેડૂતો પરિવારોના નામ છે. ત્યારે રેલવે તંત્ર દ્વારા ખાનગી કંપની સાથે આવી જમીન પર કામ થાય છે. જેમાં ખેડૂતોની સહમતી જે મંજૂરી લીધી નથી કે વળતર અપાયું નથી.

રેલવે તંત્ર દ્વારા નોટિસ પણ આપવામાં આવી નથી. ઉપરાંત  જિલ્લા કે તાલુકાના અધિકારીઓ દ્વારા ખેડૂતોનો વિરોધ સાંભળ્યા વગર જ 7/12ને અસર થાય તેવી નોંધ પણ નાખી દીધી છે.

બે વર્ષથી ખેડૂતો આ જમીન માટે પરેશાન થતા હોય આ મુદ્દે કોર્ટમાં ઘા નાખવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટમાં પણ સપ્ટેમ્બર માસમાં ચુકાદો આવનાર છે, ત્યારે વગર મંજૂરી, વગર વળતરે રેલવે તથા ખાનગી કંપનીઓને સરકારી અધિકારીઓ દ્વારા પીળો પરવાનો આપી દેવાયો હોય એ બાબતે ખેડૂતોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક