આમ આદમી પાર્ટીએ ‘િરવરફ્રન્ટ’નું કામ સત્વરે પૂર્ણ કરવાની જવાબદારી લેવાનું જાહેર કરતાં ભાજપ અગ્રણી દોડયા
માણાવદર,
તા.7 : માણાવદર શહેરમાં 23 કરોડના ખર્ચે રસાલા ડેમ સાઈટ ઉપર બની રહેલા રિવરફ્રન્ટને
લઈને રાજકારણ ગરમાયું છે. છેલ્લા 3 વર્ષથી લોકો જે રિવરફ્રન્ટની આશા સેવી રહ્યાં છે
તે હજુ ખુલ્યો નથી. તાજેતરમાં જ્યારે આમ આદમી પાર્ટીએ મુલાકાત લઈને રિવરફ્રન્ટની જવાબદારી
સંભાળવાની વાતો જાહેર કરતાં અચાનક જ ભાજપ અગ્રણીઓ દોડતા થઈ ગયાં છે.
ભાજપ
અગ્રણીઓ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ સાઈટની રૂબરૂ મુલાકાત લઈને ગોપાલભાઈને વિસાવદરને છોડીને
માણાવદરની ચિંતા ન કરવાની સલાહ આપતા આ મુદ્દો વધુ ગરમાયો છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ
લાડાણીએ જણાવ્યું છે કે, પ્રવાસન મંત્રી મૂળુભાઇ બેરાને બે દિવસ પહેલા જ રિવરફ્રન્ટનો
ઉકેલ લાવવા રજૂઆત કરવામાં આવી હતી. આજે પ્રવાસન વિભાગના કમિશનર રિવરફ્રન્ટની મુલાકાતે
આવ્યાં હતાં. અહીં શુ સુવિધાઓ વધારવાની જરૂર છે અને શું ખામી છે તેની સમીક્ષા કરવામાં
આવી છે. રાજકીય અગ્રણીઓ જે પણ કહી રહ્યાં હોય વાસ્તવમાં આજદિન સુધી રિવરફ્રન્ટની જવાબદારી
કોઈએ સંભાળી નથી તે અનેક સ્થળોએ તુટેલો દેખાય છે. અગાઉ ખુદ લાડાણીએ રિવરફ્રન્ટના કામમાં
ભ્રષ્ટાચાર થયો હોવાની અને તેની તપાસ માંગી હતી પરંતુ આજદિન સુધી તેમાં શું થયું ?
તે બહાર આવ્યું નથી. અધૂરી કામગીરી વચ્ચે ભાજપ સરકાર રિવરફ્રન્ટના ઉદ્ઘાટન માટે શા
માટે ઉતાવળ કરી રહી છે તેની ઠેર-ઠેર ચર્ચા થઈ રહી છે.