• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

ફાર્મા ક્ષેત્રે ગુજરાતમાં 75 કંપની દ્વારા રૂ. 6500 કરોડનું નવું રોકાણ કેડિલા સહિતની કંપનીઓ એપીઆઇ ક્ષેત્રે પણ ઝંપલાવશે

અમદાવાદ, તા.14(ફૂલછાબ ન્યૂઝ) : રોકાણ માટે સમજૂતી કરાર થાય એમાંથી વાસ્તવિક રોકાણ અમુક અંશે જ સાકાર થતું હોય છે. એ રીતે એમઓયુ એટલે રોકાણ એમ હવે બહુ ઓછા લોકો માને છે પણ ગુજરાતમાં ફાર્મા ક્ષેત્રમાં જેટલાં એમોઓયુ થયાં છે એમાંથી મોટાભાગનાં સાકાર થયાં છે. થોડાં જ મહિનાઓમાં ગુજરાતમાં આશરે 6500 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે.ગુજરાતનો સૌથી આધુનિક એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિએન્ટ્સ અર્થાત્ એપીઆઇનો પ્લાન્ટ તાજેતરમાં  કેડિલા ફાર્મા દ્વારા સ્થાપવામાં આવ્યો છે. એપીઆઇ માટે ભારત સહિતના દેશો ઘણે અંશે ચીન પર આધારિત છે. જોકે આયાત પર ભાર હવે હળવો થશે.

કેડિલાએ વાઇબ્રન્ટ સમિટમાં રૂ. 700 કરોડનાં રોકાણ માટે જાન્યુઆરી 2024માં ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા હતા અને અત્યારે પ્લાન્ટ તૈયાર છે. કેડિલા ફાર્મા રોકાણ કરનારી એકમાત્ર ફાર્માસ્યુટિકલ કંપની નથી પરંતુ 75 કંપનીએ અત્યાર સુધીમાં રૂ. 6500 કરોડનું રોકાણ કરી દીધું છે. હવે ગુજરાતમાં જે ફાર્મા પ્લાન્ટ સ્થપાઈ રહ્યાં છે તે ઓટોમેશન આધારિત છે, તેમ ગુજરાત ફૂડ એન્ડ ડ્રગના કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું.

કેડિલાના સીએમઓ વિશ્વજીત મિત્રા કહે છે, “ગુજરાતનો પ્લાન્ટ સૌથી આધુનિક ઓટોમેશન પ્લાન્ટ છે. એમાં 300 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. હવે અમે અંકલેશ્વરમાં 400 કરોડ રૂપિયાનું વધુ રોકાણ કરીશું, એ હજુ કામકાજ હેઠળ છે.”

જાન્યુઆરી 2024માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ હતી. તે સમયે ફાર્મા સેક્ટરમાં રૂ. 33,000 કરોડના 375 કરારો થયા હતા, જેમાંથી 75 કંપનીએ કુલ રૂ. 6500 કરોડનું રોકાણ પૂર્ણ કર્યું છે. આમાં અમેરિકાની પ્રોક્ટર એન્ડ ગેમ્બલે  રૂ. 2200 કરોડનું રોકાણ કર્યું છે, સેન્ડોર પ્રાઇવેટ લિમિટેડે રૂ. 2400 કરોડનું રોકાણ કર્યું છે અને ભારતની કેડિલા, ઇન્ટાસ, ઝાયડસ જેવી કંપનીઓએ તેમનું રોકાણ પૂર્ણ કર્યું છે. ગુજરાત કોઈપણ ક્ષેત્રમાં  નીતિઓનો અમલ ઝડપી છે. નિકાસ માટે પોર્ટ અને એરપોર્ટ ઇન્સફ્રાસ્ટ્રક્ચર છે. જીએસટી લાગુ થયા પછી કોઈ ખાસ કરમુક્તિ કોઈ રાજ્ય પાસે નથી છતાં સારી ઇકો સિસ્ટમને લીધે રોકાણ આવે છે.

દેશમાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 33% અને નિકાસમાં 28% છે, જે આગામી સમયમાં નવી કંપનીઓ આવતા વધી જાય તેવી પૂરી શક્યતા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક