• શનિવાર, 27 જુલાઈ, 2024

જીરૂમાં વિક્રમી ઉત્પાદન છતાં તીવ્ર સટ્ટાકીય તેજી

જીરૂની બજાર ખેડૂતો-ટ્રેડરોમાં ચર્ચાનું કેન્દ્ર બની : ભાવ એકદમ ઉંચકાઇને ફરી તૂટયાં

રાજકોટ, તા. 20 (ફૂલછાબ ન્યૂઝ) : જીરુંમાં એક કરોડ ગુણી કરતા વધુ ઉત્પાદન સાથે વિક્રમી પુરવઠાનું વર્ષ હોવા છતાં ભારેખમ અફરા તફરી વચ્ચે તેજી થઇ જતા કિસાનો ખુશખુશાલ થઇ ગયા છે. જોકે મોટાં પાકના સામા પવને સટ્ટો ખેલાયાની પ્રબળ શક્યતા વચ્ચે હવે અફરા તફરી સર્જાવાની સંભાવના એકદમ વધી ગઇ છે. દસેક દિવસથી નિકાસના નવા કામકાજ બંધ છે છતાં ભાવ સળગી રહ્યા છે એનાથી ટ્રેડરો અકળાઇ ઉઠયાં છે.

અનેક માર્કેટ યાર્ડમાં જીરુંનો ભાવ સોમવારે રૂ. 6200-6500 ટોપ માલમાં બોલાઇ ગયો હતો. સપ્તાહમાં રૂ. 900ની તેજી થઇ ગઇ છે. બીજી તરફ નિકાસ બજાર માટે વેચવામાં આવતા સીંગાપોર ક્વોલિટીના જીરૂમાં હજુ રવિવારે બંધમાં રૂ.  6100ના ભાવ બોલાતા હતા. તે સોમવારે રૂ. 6600 સુધી ઉંચકાવીને રૂ. 6150 રાત્રે કરી દેવાયા હતા. નિકાસના કામકાજોનો અભાવ અને વાયદા પણ બંધ હોવા છતાં રૂ. 500 કરતા વધારે તેજી મંદી કરી નાંખવામાં આવી છે. એનાથી યાર્ડમાં ભાવ વધ્યા એટલે ખેડૂતોને ફાયદો છે પણ સટ્ટો તીવ્ર છે એ જોતા તીવ્ર અફરા તફરી બોલાઇ શકે છે.

ઉંઝામાં ગયા સપ્તાહે સોમવારે રૂ. 5600ના ભાવથી બેસ્ટ જીરું વેચાયું હતું. આજરોજ રૂ. 6400ના ભાવથી કામકાજ થયા હતા. અલબત્ત હરાજી ઉંચા ભાવમાં થયા બાદ સાંજે હાજરમાં રૂ. 200 નીચાં બોલાતા હતા.  બ્રોકરોના કહેવા પ્રમાણે જીરુંની આવક ઘટીને 60 હજાર મણ સુધી ગયા સપ્તાહે થઇ ગઇ હતી. સોમવારે 75 હજાર ગુણીનો પુરવઠો ઠલવાયો હતો. એનો પ્રત્યાઘાત હતો. આવક વધારે દેખાતા નિકાસકારોએ નવી ખરીદી સંપુર્ણપણે અટકાવી દીધી હોય એવો માહોલ સર્જાયો હતો. નિકાસ બજારમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં ધૂમ કામકાજ થયા પછી હવે ઉંચા મથાળે ઘરાકી થોડી ધીમી પડી છે. જોકે હજુ બાંગ્લાદેશ અને મધ્યપૂર્વના દેશોની થોડી માગ છે.

ઉંઝાના એક અગ્રણી કહે છે, માર્ચ અને એપ્રિલમાં નિકાસ સારી રહી છે. મેના આંકડાઓ પણ સારાં જ આવશે પણ અત્યારે જે રીતે કામકાજ ઠપ થયા છે એ જોતા જૂનના આંકડા ખૂબ નીચાં આવશે. ગયા વર્ષે માલની તંગી ઓછાં પાકને લીધે પડી હતી એટલે તેજી હતી પણ બમ્પર ઉત્પાદન છતાં અત્યારે બજારને કોણ ખેંચી રહ્યું છે એનો તાગ મેળવવામાં અત્યારે સૌ મગજ દોડાવી રહ્યા છે.

ઉંઝામાં 30 હજાર ગુણીની આવક સોમવારે થઇ હતી. ભાવમાં રૂ. 150-200નો સુધારો થયા પછી સાંજે રૂ. 100 નરમ પડતા સુપર માલના રૂ. 6100-6300, બેસ્ટ રૂ. 6000-6100, મધ્યમમાં રૂ. 5900-6000, એવરેજમાં રૂ. 5700-5900 અને ચાલુમાં રૂ. 5400-5700 હતા. સૌરાષ્ટ્રના મોટાંભાગના યાર્ડમાં બેસ્ટના ભાવ રૂ. 6200-6500 સુધી ગયા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક