• મંગળવાર, 18 જૂન, 2024

સપ્ટેમ્બરમાં યોજાશે પાલિકા-પંચાયતની ચૂંટણી

રાજ્યમાં કોઈ ને કોઈ કારણોસર બે વર્ષથી ટલ્લે ચડેલી 75 પાલિકા, 17 તાલુકા પંચાયત, બે જિલ્લા પંચાયત અને 7 હજાર ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી યોજાશે

અમદાવાદ, તા.20 : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામો બાદ ભાજપ અને કોંગ્રેસ તેમના કાર્યકરોને આરામથી બેસવા દેશે નહીં કારણ કે, છેલ્લાં 2 વર્ષથી પાછી ઠેલાતી સ્થાનિક સ્વરાજ્યનીની સંસ્થાઓની ચૂંટણીઓ પાછળ આવી રહી છે.

રાજ્ય ચૂંટણી પંચના કમિશનર સંજયપ્રસાદનો કાર્યકાળ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયે પૂરો થઈ રહ્યો છે, તેથી તે પહેલા લાંબા સમયથી પડતર પાલિકા-પંચાયતની ચૂંટણી પાર પડી જશે તેવી અટકળો છે. જો કે એક અનુમાન એવું પણ છે કે, રાજ્ય ચૂંટણી કમિશનરને ત્રણેક મહિનાની મુદતમાં વધારો આપી ચોમાસું નડે નહીં તે માટે થઈ શરદ નવરાત્રી પહેલાં સપ્ટેમ્બરનાં છેલ્લાં સપ્તાહમાં પણ આ ચૂંટણી થઈ શકે છે. 

રાજ્યમાં 75 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત, 2 જિલ્લા પંચાયત તેમજ 7000 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છેલ્લાં 2 વર્ષથી ટલ્લે ચડી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં અગાઉ ઓબીસી સમાજ માટે 10 ટકા બેઠકો અનામત હતી. જે નિવૃત્ત જજ કે. એસ. ઝવેરી પંચના રિપોર્ટ બાદ વધારીને 27 ટકા કરવાની જાહેરાત ગત ઓગસ્ટમાં રાજ્યસરકારે કરી છે. ઝવેરી કમિશનના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં ગ્રામીણ સ્તરે 52 ટકા અને શહેરી ક્ષેત્રે 46.43 ટકા ઓબીસી સમાજની વસ્તી છે. 

જેને અનુલક્ષીને ઓબીસી સમાજ માટે અનામત બેઠક જિલ્લા પંચાયતોમાં 105થી વધીને 229, 248 તાલુકા પંચાયતમાં 506થી વધીને 1085, રાજ્યની કુલ 14,562 ગ્રામ પંચાયતમાં 12,750થી વધીને 25,347 અને એ જ રીતે નગરપાલિકાઓમાં પણ મોટા પ્રમાણમાં વધી છે. સૂત્રોનું કહેવું છે કે, લોકસભાની ચૂંટણી પછી રાજ્ય ચૂંટણી પંચ બે મહિનામાં નવી મતદાર યાદી તૈયાર કરવાની તથા અનામત વર્ગીકરણની કાર્યવાહી પૂર્ણ કરી ચૂંટણી માટે સરકારના આદેશની રાહ જોશે. 

ભાજપના વર્તુળોના જણાવ્યા પ્રમાણે, ભાજપ પણ લોકલ બોડીની અટકેલી ચૂંટણીઓ વહેલી તકે પાર પાડવા ઈચ્છે છે, પણ આ બાબત લોકસભાનાં પરિણામ ઉપર નિર્ભર છે, જો પરિણામ ભાજપને પ્રોત્સાહિત કરનારું હશે તો અઢી-ત્રણ મહિનામાં તૂર્ત જ ચૂંટણીઓ યોજાશે, નહીંતર બે-ત્રણ મહિનાનો વધુ વિલંબ થાય તેવું બની શકે છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક