• શનિવાર, 27 જુલાઈ, 2024

વેરાવળ જીઆઈડીસીમાં લાકડા-કાંડનો પર્દાફાશ 11 કંપનીમાં દરોડા : 48 લાખનો જથ્થો સીઝ

લાકડાના ગેરકાયદેસર ઉપયોગ અને સંગ્રહ મામલે કલેક્ટરની સૂચનાથી વહીવટી તંત્ર અને વન વિભાગની ટીમનું સંયુક્ત ઓપરેશન 

વેરાવળ, તા.20 : વેરાવળ જીઆઈડીસીની કંપનીઓમાં ગેરકાયદેસર રીતે લાકડાના ઉપયોગ, સંગ્રહ અને પરીવહન થતું હોવાની ફરિયાદોના આધારે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની સૂચનાથી વહીવટી તંત્ર અને વન વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 11 કંપનીઓમાં રૂ.47.90 લાખની કિંમતનો 958 ટન લાકડાનો જથ્થો સીઝ કર્યો હતો.

વેરાવળ જીઆઈડીસીની અનેક કંપનીઓમાં બોયલરમાં મોટા પ્રમાણ લાકડાનો વપરાશ થાય છે ત્યારે અનેક કંપનીઓ દ્વારા ગેરકાયદે પ્રતિબંધિત લાકડાનો ગેરકાયદેસર વપરાશ કરતા હોવાની ફરિયાદ જિલ્લા કલેક્ટર ડી.ડી. જાડેજાને મળતા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેના પગલે આરએફઓ કે.ડી. પંપાણિયા, સિટી મામલતદાર આરઝૂબેન ગજ્જર, ગ્રામ્ય મામલતદાર જે.એન. શામળાની ટીમ દ્વારા જીઆઈડીસીમાં આવેલી અંબર સી ફૂડસ, એશિયન એકવાટીક, યુનાઇટેડ મરીન પ્રોડક્ટ, રેવા પ્રોટીન, પ્રીમિયમ મરીન પ્રોડક્ટ, કોસ્ટલ એક્વાટિક, અમર લી. (હીરાવતી), ક્વોલિટી મરીન ફૂડસ, પેસિફિક મરીન પ્રોડક્ટ, નેશનલ મરીન પ્રોડક્ટ, કિંગ ફિશ પ્રોડક્ટ પ્રા. લી. સહિત 11 કંપનીઓમાં દરોડા પાડી રૂ.47.90 લાખની કિંમતનો અંદાજે 958 ટન લાકડાંનો જથ્થો ગેરકાયદેસર હોવાનું જણાતા સીઝ કરવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન પ્રાથમિક તપાસમાં લાકડાના જથ્થાના સંગ્રહ, ખરીદી સહિત અનેક મુદ્દે ગેરરીતિ સામે આવતા જિલ્લા કલેક્ટર જાડેજાની સૂચના અનુસાર વેરાવળ રેન્જ ફોરેસ્ટર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, ઘણા સમયથી જીઆઈડીસી વિસ્તારમાં પ્રતિબંધિત લાકડાના ગેરકાયદે વપરાશની ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે અચાનક કલેક્ટરની કડક કાર્યવાહીના પગલે પ્રતિબંધિત લાકડાનો ગેરકાયદેસર વપરાશ અને સંગ્રહ કરતા અસામીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક