સાત બાળકો નાહવા પડયા’તા : ચારનો બનાવ
બે સ્પીડ બોટ- અને ફાયરબ્રિગેડ દ્વારા સઘન શોધખોળ ચાલુ
મોરબી, તા.1પ : મોરબીના મચ્છુ-ર ડેમમાંથી પાણી છોડાતા સાદુળકા પાસેના ડેમમાં નીચાણવાળા વિસ્તારમાં ન્હાવા પડેલા સાત બાળકો પૈકીના ત્રણ બાળકો ડેમના પાણીમાં ગરક થઈ જતા ફાયરબ્રીગેડના સ્ટાફે તેમજ બે સ્પીડ બોટ દ્વારા મોડીરાત સુધી બાળકોની શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી.
આ અંગેની વિગત એવી છે કે, સાદુળકા પાસેનો મચ્છુ-3 ડેમ છલકાતા તેના દરવાજા ખોલાયા હતા અને સાદુળકા પાસેના ડેમના નીચાણવાળા વિસ્તારમાં નદીમાં નહાવા ચીરાગ પરમાર, ધર્મેશ ભાખોડીયા, ગૌરવ ભાખોડીયા અને યુવાન સહિત સાત બાળકો નહાવા પડયા હતા. જેમાં પ્રથમ એક યુવાન ડુબતા તેને બચાવવા બે સગીર ડુબ્યા હતા અને યુવાન સહિત ચારને બચાવી લીધા હતા. જયારે ધર્મેશ, ચીરાગ અને ગૌરવ ડેમના પાણીમાં ગરક થઈ ગયા હતા.
આ બનાવ અંગેની જાણ થતા ભાજપ-કોંગ્રેસના આગેવાનો તેમજ ડે.કલેકટર સુશીલ પરમાર તેમજ પોલીસ તેમજ મોરબી-રાજકોટનો ફાયરબ્રીગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને બે સ્પીડ બોટની પણ મદદ લેવામાં આવી હતી તેમજ પંજાબ ચૂંટણી સંદર્ભે ગયેલા ધારાસભ્ય કાંતીલાલ અમૃતિયાએ સમગ્ર ઘટનાની વિગત જાણી તંત્ર સાથે જરૂરી ચર્ચા કરી તમામ પગલા લેવા સૂચના આપી હતી. મોડી રાત સુધી ત્રણેય બાળકોની શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. આ બનાવના પગલે ત્રણેય બાળકોના પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. પોલીસે વધુ વિગતો જાણવા કાર્યવાહી હાથ ધરી હતી.