• બુધવાર, 22 મે, 2024

કમોસમી વરસાદ બાદ તાપમાન 46 ડિગ્રીએ પહોચવાની શક્યતા

દાહોદમાં ભરઉનાળે કરા સાથે માવઠું, ભારે પવનના કારણે પતરા ઉડયા અને વૃક્ષ ધરાશાયી થયા, માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા

અમદાવાદ, તા. 11 : હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં 3 દિવસ ગાજવીજ અને સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે આજે રાજયના અનેક વિસ્તારમાં 40 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું હતું. તો બીજી બાજુ દાહોદમાં સૂસવાટા મારતા પવન અને કરા સાથે માવઠું વરસ્યું હતું. જોકે આ કમોસમી વરસાદ બાદ રાજ્યમાં ગરમીનો આંક 46 ડિગ્રી કે તેનાથી વધુ સુધી પહોંચી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર દાહોદ જિલ્લા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયા છે. ભરઉનાળે રેઇનકોટ પહેરવાના વારા આવ્યા છે. કારણકે, રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. જેમાં દાહોદ જિલ્લામાં ઝાલોદના લીમડી, વરોડ ઉપરાંત આસપાસના ગામોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. સખત ગરમીથી ત્રસ્ત લોકોને વરસાદ પડતા ધકધકતા તાપથી રાહત મળી છે પરંતુ બીજી તરફ જગતનો તાત ફરી એકવાર ચિંતિત બન્યો છે. માવઠું થતા ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો બીજી હવામાન વિભાગ દ્વારા આગામી કેટલાક દિવસો માટે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ઘરતીપુત્રો પણ ચિંતાના વાદળો ઘેરાયા છે. દાહોદ જિલ્લાના લીમડી પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવનના પગલે પતરા ઉડયા હતા. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. મીરાખેડીમાં ’કરા સાથે ધોધમાર વરસાદ પડયો હતો. તો કાળીમોવડી રોડ પર વૃક્ષ ધારાશાયી થયું હતું. વૃક્ષ ધારાશાયી થતાં બાઇક અને કેબિનને નુકસાન પહોંચ્યું છે. સદનસિબે કોઇ જાનહાની થવા પામી નથી.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ વાતાવરણ સુકું રહેશે. જેમાં 13 એપ્રિલે દાહોદ, નવસારી અને વલસાડ, ભાવનગર, અમરેલી અન સોમનાથમાં વરસાદની આગાહી છે. જ્યારે 14થી 15 એપ્રિલના દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે.

દરમિયાનમાં આજે રાજ્યમાં મુખ્ય શહેરોમાં જોઇએ તો અમદાવાદમાં મહત્તમ 38.5 અને લઘુત્તમ 27.3 ડિગ્રી, બરોડામાં 38.8 અને 25.6, ભુજમાં 41.2 અને 23.2 રાજકોટમાં 40.3 અને 22.3 તેમજ સુરતમાં 35.6 અને 25.2 ડિગ્રી તાપમાન રહ્યુ હતું.

ઇ-પેપરના નવા શુલ્ક