• શનિવાર, 27 જુલાઈ, 2024

ધોરાજીમાં ખેડૂત અગ્રણીના પરિવારની સામૂહિક અંતિમયાત્રા: શોકનો માહોલ

ભાદર નદીમાં કાર ખાબકતા એક સાથે ચાર પરિવારજનોનાં નીપજેલા મૃત્યુથી અરેરાટી

ધોરાજી, તા. 11 : ધોરાજી નજીક ગઈકાલે ખેડૂત અગ્રણીનાં પરિવારની કાર બેકાબુ બનીને ભાદર નદીમાં ખાબકી હતી. જેમાં દંપતી અને તેમની પુત્રી તથા સંબંધી મહિલા સહિત ચાર લોકોનાં કરુણ મૃત્યુ નીપજ્યા હતા. જેમની એક સાથે સ્મશાનયાત્રા નીકળતા વાતાવરણ ગમગીન બની ગયું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામનાર ખેડૂત અગ્રણીનાં એક જ પરિવારના સભ્યો જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં પ્રસંગમાં ગયા હતા ત્યાંથી તેઓ ધોરાજી પરત આવી રહ્યા હતા. આ દરમિયાન પોરબંદર-રાજકોટ નેશનલ હાઇ-વે પર ધોરાજી નજીક ભાદર નદી પરથી પસાર રહ્યા હતા, ત્યારે અચાનક કારનું ટાયર ફાટયું હતું. જેના કારણે કારચાલકે સ્ટારિંગ પરથી કાબુ ગુમાવતા કાર પુલની દીવાલ તોડીને નદીમાં ખાબકી હતી. જેમાં ધોરાજીના ખેડૂત આગેવાન અને તુલસી ચેરીટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી 55 વર્ષીય દિનેશભાઈ ઠુમ્મર, તેમના પત્ની 52 વર્ષીય લીલાવંતીબેન ઠુમ્મર, તેમની પુત્રી 22 વર્ષીય હાર્દિકા ઠુમ્મર તેમજ મહિલાના બહેન 55 વર્ષીય સંગીતાબેન કોયાણીનું મૃત્યુ થયું હતું. એક સાથે એક પરિવારની જ ચાર વ્યક્તિનાં મૃત્યુ થતાં ઘેર શોકનો માહોલ છવાઈ ગયો હતો.

ધોરાજીનાં વતની એવા એક પરિવારના ત્રણ વ્યક્તિઓ દિનેશભાઈ ઠુંમ્મર તથા તેમના પત્ની લીલાવંતીબેન ઠુંમ્મર તથા તેની દિકરી હાર્દિકા ઠુંમ્મરનાં અકાળે મૃત્યુ બાદ ગઈકાલે રાત્રે જ એક સાથે અંતિમ યાત્રા નીકળી હતી. જેથી હતભાગી પરિવારને સાંત્વાના આપવા માટે પોરબંદર લોકસભાના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા, ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા તથા અન્ય આગેવાનો, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓનાં હોદ્દેદારો, શિક્ષણવિદો, વકીલ, ડોક્ટર વગેરે પહોંચ્યા હતા. આ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રસ્તામાં પણ લોકોએ પુષ્પાંજલિ આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક