• શનિવાર, 27 જુલાઈ, 2024

ભાવનગરમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

 એપી સેન્ટર ભાવનગર શહેરથી 17 કિમી દૂર ભડી -ભંડારિયા ગામે નોંધાયું

ભાવનગર, તા.10 : ભાવનગર પંથકમાં ગત રાતે ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકાની અસર શહેર નજીકનાં કેટલાંક ગામોમાં થઈ છે. આ ભૂકંપનું એપી સેન્ટર ભાવનગર નજીક આવેલાં ભડી અને ઉખરલા ગામે નોંધાયું હતું. ગત મંગળવારે રાત્રે 9.52 કલાકે આવતા ભાવનગર શહેરના કેટલાક વિસ્તારો તેમજ ભડી, ભંડારિયા, કોબડી, ત્રંબક, બાડી પડવા, મલેકવદર, તગડી, માળનાથ, નાના ખોખરા સહિતનાં ગામડાઓમાં લોકોએ આ આંચકાનો અનુભવ કર્યો હતો. ભૂકંપનોનો આ આંચકો 3.2 મેગ્નિટ્યૂડની તીવ્રતાનો નોંધાયો છે.

આ અંગેની વિગતો એવી છે કે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં ગઈકાલે રાત્રે 9.52 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આંચકા સાથે ધરા ધ્રૂજી ઉઠતા ઘોઘા તાલુકાના ભડી, ભંડારિયા, કોબડી, ત્રંબક, બાડી પડવા, મલેકવદર સહિત ગામોમાં લોકો ઘર બહાર દોડી આવ્યા હતા અને એકમેકને ચિંતાભરી  પૂછપરછ કરી હતી. જો કે આ ભૂકંપના આંચકાથી કોઈને ઇજા કે અન્ય કોઈ નુકસાનીના સમાચાર નથી. દરમિયાનમાં સરકારી તંત્રએ પણ આંચકાની પુષ્ટિ કરી હતી. આ ભૂકંપની તીવ્રતા 3.2નોંધાઈ છે. એપી સેન્ટર ભાવનગર શહેરથી 17 કિલોમીટર દૂર ભડી ભંડારિયા ગામ પાસે નોંધાયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક