• બુધવાર, 22 મે, 2024

મોદીને જીતાડવા રૂપાલાને માફ કરો : જામસાહેબ શત્રુશલ્યસિંહ

           ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ‰’ના ધર્મને યાદ કરી માફી આપવા ક્ષત્રિયોને અનુરોધ

જામનગર, તા. 10 : રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર એવા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિષે કરેલી ટિપ્પણી બાદ ઉઠેલો વિવાદ શમવાનું નામ લઈ રહ્યો નથી અને રૂપાલાની ટિકિટ રદ કરવાની પ્રબળ માગ ઉઠવા પામી છે ત્યારે આ સમગ્ર વિવાદમાં રાજવી પરિવારોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીનો વધુ એક પત્ર સામે આવ્યો છે જેમાં તેમણે વડાપ્રધાન મોદીને જીતાડવા રૂપાલાને માફ કરવા અનુરોધ કર્યો છે.

જામનગરના રાજવીએ આજે બીજા પત્રમાં પ્રમુખ, આગેવાનો અને ધર્મગુરુઓ માફી માગે તો રૂપાલાને માફ કરી દેવું જોઈએ એવું જણાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ગઈકાલે મારા પત્રો સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો, ઘણા ધર્મગુરુઓ અને અન્ય આગેવાનો સાથે વાત થઈ. મારાં ધ્યાન પર આવ્યું કે રૂપાલાએ પહેલાં બેવાર માફી માગી લીધી છે પરંતુ આટલું પૂરતું નથી. નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓની સામે માફી માગવી જોઈએ. ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી માગે તો ‘ક્ષમા વિરસ્ય ભૂષણમ‰’ના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઈએ.

આ ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવાની ચૂંટણી છે. આપણાં ગુજરાતના નરેન્દ્ર મોદીએ દેશને ખૂબ આગળ વધાર્યો છે. દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે. આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે. આ ધ્યાને લઈ આપણે આગળ વધવું જોઈએ તેમ અંતમાં જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ જણાવ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક