અમદાવાદ, તા. 9: ગુજરાત હાઇકોર્ટમાં સિંહોના થતા અપમૃત્યુને લઇને મુખ્ય જજ સુનિતા અગરવાલ અને જજ અનિરુદ્ધ મયીની ખંડપીઠે સુઓમોટોની વધુ સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે અગાઉની સુનાવણીમાં રેલવે અને વન વિભાગના અધિકારીઓને એક એસઓપી બનાવવાનો હુકમ કર્યો હતો ત્યારે રાજ્યના અભ્યારણ્યોમાં ચાલતી ટ્રેનની એસઓપીનો આ મામલે અભ્યાસ કરીને બેઠકમાં નક્કી થયા મુજબની એસઓપી આજે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં ગીરના જંગલમાંથી રાત્રે એક પણ ટ્રેન ચાલશે નહીં તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એસઓપી અનુસાર ગીર જંગલમાંથી પસાર થતી ટ્રેનની ઝડપ ફક્ત 30 કિલોમીટરની રહેશે. જોકે 12 કિલોમીટર દૂરના સ્થળોએ ટ્રેન 40 કિમીની ઝડપે ચાલશે. હોઇકોર્ટે પોતાના અવલોકનમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ જીવનના અધિકાર સાથે સ્વચ્છ પર્યાવરણનો પણ અધિકાર સંકળાયેલો હોવાથી સિંહોનું જીવન અતિ આવશ્યક છે.
નોંધનીય છે કે અગાઉ ગીરના જંગલોમાં ટ્રેન હડફેટે સિંહોના આકસ્મિક મોત થવાનો મામલે હાઇકોર્ટે રેલવે અને વનવિભાગને એસઓપી બનાવવા આદેશ કર્યો હતો. જેના અંતર્ગત જૂનાગઢ ખાતે રેલવે અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રેલવેના ડી.આર.એમ. અને વન વિભાગના સીસીએફ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ વિસ્તારમાં અનેક સિંહોએ આ ટ્રેક પર જીવ ગુમાવ્યા છે. બીજી બાજુ પીપાવાવ લીલીયા વચ્ચે દોડતી ટ્રેનોની સ્પીડ ઓછી કરાઈ છે. હવે અહીં ટ્રેનો 100ને બદલે હવે 40 કિ.મી.ની સ્પીડે ચાલશે.