• શનિવાર, 13 એપ્રિલ, 2024

સૌરાષ્ટ્રના રેલ વિકાસની ગાડી ગતિશીલ : રેલવે સ્ટેશનોના પુન:વિકાસનો શિલાન્યાસ

અંડરબ્રિજ, ઓવરબ્રિજનું વડાપ્રધાન મોદી દ્વારા કરાયું વર્ચ્યુઅલ લોકાર્પણ

 

રાજકોટ, તા. 26 (ફૂલછાબ ન્યૂઝ): દેશમાં રેલવે મુસાફરોને વિશ્વ કક્ષાની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના 551 સ્ટેશનના પુન: વિકાસ અને 1500 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં રેલવે સ્ટેશનોના વિકાસની ગાડી પણ ગતિશીલ થઈ છે.

રાજકોટ : વિશ્વના સૌથી મોટા રેલવે સ્ટેશન પુન: વિકાસ કાર્યક્રમ હેઠળ આજે રાજકોટ રેલવે ડિવિઝનનાં 12 સ્ટેશનના પુન: વિકાસનું ખાતમુહૂર્ત, 11 રોડ ઓવરબ્રિજ- અંડરપાસનો શિલાન્યાસ અને 9 રોડ-અંડરપાસનાં કામોનું લોકાર્પણ કરાયું હતું. આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ કહ્યું હતું કે, રાજકોટમાં વર્તમાન રેલવે સ્ટેશનની સામેની બાજુએ આશરે રૂ. 50 કરોડના ખર્ચે નવું રેલવે સ્ટેશન બનશે. જેનાથી બન્ને તરફથી લોકો રેલવે સ્ટેશનમાં આવી શકશે. સાંસદ રામભાઈ મોકરિયાએ વડાપ્રધાનના આઝાદીનાં 100 વર્ષે વિકસિત ભારતના  સ્વપ્નને પૂર્ણ કરવામાં તમામ નાગરિકો પણ જોડાય તેવી અપીલ કરી હતી.  આ સાથે રાજકોટ ડિવિઝનનાં ખંઢેરી, ખંભાળિયા, ઓખામઢી, પીપલી, હાપા, જામવંથલી, સિંધાવદર, વની રોડ, મોડપુર, ચણોલ, હડમતિયા, લીલાપુર, જગડવા અને લાખામાંચીમાં 11 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનું ખાતમુહૂર્ત અને 9 રોડ - અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તમામ ઓવરબ્રિજ અને અંડરબ્રિજનાં નિર્માણ પાછળ આશરે રૂ.175.25 કરોડ જેટલો ખર્ચ થયો છે. 

લખતર : રેલવે વિભાગ દ્વારા લખતર તાલુકાના ઢાંકી નજીક બે અંડર પાસ કઈ 19 અને કઈ 20ના ઉદ્ઘાટન અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બન્ને અંડર પાસનાં કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને રેલવે ફાટકમાંથી છૂટકારો મળશે. આ લોકાર્પણ થયેલ બન્ને અંડર પાસો કુલ 8.5 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામ્યા છે.

મોરબી : અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના હેઠળ મોરબીના રાજાશાહી વખતનાં રેલવે સ્ટેશનને રૂ.9.98 કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મોરબી રેલવે સ્ટેશનના પુન: વિકાસ કામનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે ભવિષ્યમાં મોરબીને લાંબા અંતરની ટ્રેન મળે તેવી આશા ધારાસભ્ય દ્વારા વ્યક્ત કરાઈ હતી. આ પ્રસંગે મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મહામંત્રી કે. એસ. અમૃતિયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારિયા, ભાજપ અગ્રણી જયુભા જાડેજા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિત જેઠાભાઈ મિયાત્રા, રિશીપભાઈ કૈલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા રેલવે ગતિશક્તિ વિભાગના સુધીરકુમાર દુબે, મોરબી રેલવે સ્ટેશનના એલ પી યાદવ, સ્ટેશન માસ્ટર ધર્મેન્દ્રસર, જય દવે સહિત સ્ટાફે જહેમત ઉઠાવી હતી

ફલ્લા : જામવણથલી મુકામે ફાટક નંબર 164 નંદપુર તમાચણ ગામ રોડ અંડરપાસનું વર્ચ્યુઅલ શિલાન્યાસ કરાયું હતું. રૂ. 6.42 કરોડના ખર્ચે આ અન્ડરબ્રિજ બનશે.

જામજોધપુર : જામજોધપુર રેલવે સ્ટેશનનું 10 કરોડ જેટલી રકમના ખર્ચે નવનિર્માણ કરાશે. તેના વર્ચ્યુઅલ શિલાન્યાસ પ્રસંગે રાજકીય અગ્રણીઓ, નગરના આગેવાનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અડધી જગ્યા ખાલી રહી હતી.

જામનગર:  રૂ.55.23 કરોડના ખર્ચે જામનગર જિલ્લાના જામનગર, હાપા તથા કાનાલુસ રેલવે સ્ટેશનના પુન:વિકાસનો શિલાન્યાસ તથા જીવાપર, બાલાચડી, હાપા તેમજ નંદપુર-તમાચણ ફ્લાયઓવરનાં લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પણ વડાપ્રધાને વર્ચ્યુઅલી કર્યા હતા. સાંસદ પૂનમબેન માડમે આ પ્રસંગે જણાવ્યું કે, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની અનેક ભેટ હાલારને અર્પણ કરી છે ત્યારે આજે ફરી ડિવિઝન હેઠળના આઠ રેલવે સ્ટેશનનાં નવીનીકરણનો શિલાન્યાસ કરી નાગરિકો માટે રેલ સુવિધાઓનો ઉમેરો કર્યો છે.

માળિયાહાટીના : માળિયાહાટીનામાં કેશોદ તરફના રેલવે ફાટક નંબર 10ની બાજુમાં જ રૂપિયા ત્રણ કરોડ અને 32 લાખના ખર્ચે બનેલ અંડર પાસ બ્રિજનું ઇ લોકાર્પણ થયું હતું.

ગોંડલ: ગોંડલનાં હેરિટેજ ગણાતા રેલવે સ્ટેશનનું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રૂ.છ કરોડનાં ખર્ચે નિર્મિત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરાયું હતું. ગોંડલ રેલવે સ્ટેશનમાં રોજિંદા 18થી 20 પેસેન્જર ટ્રેન તથા 8થી 10 ગૂડ્સ ટ્રેન પસાર થાય છે. રોજિંદા હજારો મુસાફરોની આવન જાવન હોય છે ત્યારે સ્ટેશનનાં ત્રણ પ્લેટફોર્મને ઊંચા લેવાયાં છે અને બે પ્લેટફોર્મને લંબાવાયાં છે. ઉપરાંત ટોઇલેટ, એસી.વેઇટિંગ રૂમ, ઇન્ડિકેટર, એનાઉન્સમેન્ટ, સબવે સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક