• શનિવાર, 27 જુલાઈ, 2024

ગોંડલ પાલિકાના સત્તાધીશોને સભ્ય પદેથી દૂર કેમ ન કરવા ? શોકોઝ નોટિસ

હાઈકોર્ટમાં થયેલી પીટીશન મુદ્દે મ્યુનિસિપાલીટી કમિશનરે કારણદર્શક નોટિસ ફટકારતા ખળભળાટ: બ્રિજ મુદ્દે ઉંઘતા ઝડપાયેલા પદાધિકારીઓમાં  દોડધામ

ગોંડલ, તા. 2: ગોંડલના રાજાશાહીયુગના બે બ્રીજ મુદ્દે  હાઇકોર્ટમા થયેલ પીટીશન ના મુદ્દે મ્યુનિસિપાલીટી કમિશનરે નગરપાલિકા સત્તાધીશોને સભ્ય પદેથી દૂર કેમ ન કરવા અંગેની કારણદર્શક નોટિસ પાઠવતા પાલિકા કચેરીમાં અને રાજકીય અગ્રણીઓમાં ચકચાર મચી જવા પામી છે અને બ્રીજના મુદ્દે ઉંઘતા જડપાયેલા પદાધિકારીઓ એ દોડધામ શરૂ કરી છે.

  પ્રાપ્ત વિગત મુજબ રાજાશાહી સમય ના હાલ જર્જરીત બનેલા બન્ને પુલ અંગે બેદરકારી દાખવવા અંગે નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ ભાવનાબેન રૈયાણી તત્કાલીન કારોબારી ચેરમેન ઓમદેવાસિંહ જાડેજા વર્તમાન પ્રમુખ મનીષભાઈ ચનીયારા અને કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રાસિંહ જાડેજાને નગર પાલિકા અધિનિયમ કલમ 37 (1) હેઠળ પગલાં લઈ ‘તમોને સભ્યપદેથી દુર કેમ ન કરવા’ અંગેની કારણદર્શક નોટિસ ગાંધીનગરથી મ્યુનિસિપાલીટી કમિશનરે પાઠવી છે. નોટિસમાં જણાવ્યું છે કે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ગાંધીનગર પત્રથી ગોંડલ શહેરના બે બ્રીજ મુદ્દે થયેલ પીટીશન અંગે ગત.તા.12/11ના પત્રથી સોપેલ તપાસના અહેવાલમાં ક્ષતિ ધ્યાને આવેલ હોઈ બન્ને બ્રીજ બંધ કરવાની સૂચના તેમજ વૈકિલ્પક રસ્તા અન્યવે જરૂરી સર્વે કરવા સહિત બ્રીજ રિપેરિંગ અને નવા બનાવવા જરૂરી કાર્યવાહી કરવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ એન્જિનિયર દ્વારા સર્વે કરતા એકમાત્ર  વૈકલ્પિક રસ્તો નેશનલ હાઇ-વે સુરેશ્વર ચોકડી જતાં રસ્તાનો ઉપયોગ થઈ શકે તેમ હોય પરંતુ આ રસ્તો ચોમાસા દરમિયાન કોઝવે પર પાણી પસાર થતું હોઈ અને રસ્તો સાંકડો અને વેરી ડેમના દરવાજા ઓટોમેટિક પાણીના પ્રેસરથી ખુલતાં હોય ચોમાસામાં અકસ્માત થવાની સંભાવના વધી જાય છે.

 ભારે વાહનો એસ.ટી.બસ.સામા કાંઠા વિસ્તાર તેમજ ગ્રામ્ય વિદ્યાર્થીઓ માટેની સ્કુલ બસો પણ આ વૈકલ્પિક માર્ગ પરથી પસાર કરવાની થાય છે ટેકનિકલ કમિટીના રિપોર્ટ અન્યવે બ્રીજ બંધ કરવા ડાયવર્ઝન અંગે નિર્ણય થવા જણાવેલ હતું.

    ચીફ ઓફિસર દ્વારા હાઈકોર્ટમાં થયેલ પી.આઈ.એલ.તથા ટેકનિકલ કમીટી રીપોર્ટ અન્વયે એન્જિનિયર રિપોર્ટને ધ્યાનમાં રાખી બ્રીજ બંધ કરવા વૈકલ્પિક ડાયવર્ઝન તેમજ રિપેરિંગ, નવા બનાવવા નિણર્ય અર્થે ગોંડલનગર પાલિકા પ્રમુખ તેમજ કારોબારી ચેરમેનના વંચાણે રજૂ કરેલ સુરેશ્વર ચોકડીવાળો માર્ગ પંચાયત હસ્તકત હોય ચોમાસા દરમિયાન કોઝવે પર પાણીના પ્રવાહને લઈને અકસ્માત અને જાનહાનિ થવાની પૂરી શક્યતાઓ રહે છે હોવાનું જણાવેલ હતું બન્ને બ્રીજનું બાંધકામ મોરબી બ્રીજથી અલગ પ્રકારનું હોઈ બ્રીજ તૂટે અને જાનહાનિ થાય તેવી સંભાવના નહીવત હોય બન્ને બ્રીજ વૈકલ્પિક આયોજન રસ્તાની સાપેક્ષમાં ઓછા અકસ્માત ભયવાળા હોઈ ચોમાસાની ઋતુ પૂરી ન થાય ત્યાં સુધી બ્રીજ ભારે વાહનો માટે બંધ કરવા જનહિત માં જરૂરી જણાતા નથી તેમજ ચોમાસાની ઋતુમાં બ્રીજનું રીપેરીંગ કાર્ય શક્ય ન હોય તાત્કાલિક વેજીટેશન હટાવવાની કાર્યવાહી કરવી ચોમાસાની ઋતુ બાદ રીપેરીંગ અથવા તો નવા બનાવવા માટે પ્લાન અંદાજો તૈયાર કરી સરકારના વખતો વખતની સૂચના મુજબ આ કામગીરી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના માર્ગદર્શન નીચે કરવી તેવી સુચનાઓ આપતાં ચીફ ઓફીસર દ્વારા હાઈકોર્ટમાં એફીડેવીટથી જાણ કરવામાં આવી હતી.જે ટેકનિકલ રિપોર્ટ અને સર્વેનો અભ્યાસ કરી પૂર્વ પ્રમુખ પૂર્વ કારોબારી ચેરમેનની જવાબદારી હોવાની જણાઈ આવે છે. જેમની મુદત પૂર્ણ થતાં વર્તમાન પ્રમુખ તા.14/9/ અને કારોબારી ચેરમેન તા.26/9 થી ચુટાયેલ હોય ટેકનિકલ કમીટી દ્વારા આપેલ સુચના તેમજ નામદાર હાઈકોર્ટના ઓરલ ઓર્ડરથી અવગત હોવા છતાં કોઈ કાર્યવાહી કરેલ હોવાનું જણાઈ આવતું નથી જે ગંભીર પ્રકારની બેદરકારી જણાઈ આવે છે.જેથી તેઓની પણ જવાબદારી થાય છે. તેવા પ્રકારની નોટિસ આપી નગર પાલિકા અધિનિયમ કલમ 37-(1) હેઠળ પગલાં લઈ તમોને સભ્યપદેથી દૂર કેમ ન કરવા ?

 તેવી કારણદર્શક નોટિસ પાઠવી આગામી તા.7/12 ના રોજ બપોરે 12 કલાકે કમિશ્નર મ્યુનિસિપાલીટી ગાંધીનગર ખાતે સુનાવણી સમયે અધિકૃત અથવા પ્રતિનિધિ દ્વારા રજૂઆત કરવા માગતા હોય તો રજૂઆત કરવાનું જણાવવામાં આવ્યું હતું. નિયત મુદતે હાજર રહીને જો કોઈ જવાબ કરવામાં નહીં આવે તો આ અંગે આપને કંઈ કહેવાનું નથી તેમ માનીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવા પ્રકારની નોટિસ મળતા નગરપાલિકાના રાજકારણ માં ભુકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના યતિષભાઈ દેસાઈ દ્વારા ગત એપ્રિલ માસમા બન્ને પુલની હાલત અંગે હાઇકોર્ટ મા પીઆઇએલ કરાઇ હતી. બાદમા હાઇકોર્ટ દ્વારા બન્ને પુલની પરિસ્થિતિ અંગે પ્રશાસન ની ઝાટકણી કાઢી આંખ લાલ કરાઇ હતી. તેમ છતા પદાધિકારીઓ દ્વારા ગંભીરતા નહીં દાખવતા હવે કારણદર્શક નોટિસ નો સામનો કરવો પડી રહ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક