ઓસ્ટ્રેલિયા તથા એશિયાના વિવિધ દરિયાઈ દેશોમાંથી હજારો કિલોમીટરનો દરિયો ખેડીને ગ્રીન અને ઓલીવ રિડલી કાચબીઓ ઈંડા મૂકવા સૌરાષ્ટ્રનો દરિયા કાંઠો કરે છે પસંદ
રાજકોટ, તા. 22: મહાદેવના મંદિરમાં
સ્થિરતાના પ્રતિકરૂપે સ્થાન ધરાવતા એવા ભગવાન વિષ્ણુનો એક અવતાર એટલે કાચબો (કુર્મ
અવતાર). જે ધરતીના કરોડો વર્ષો જુના અને અદ્વિતીય જીવ પૈકી એક છે. જીવનરૂપી યુદ્ધમાં
સાહસ અને ધૈર્ય ધરી અવિશ્વનીય યાત્રા પાર પાડતા કાચબાઓ, આ માત્ર એક જીવ નથી પૃથ્વી
પરના સૌથી જૂના યોદ્ધાઓ છે જેની સમુદ્ર સાક્ષી પુરાવે છે.
આ યોદ્ધારૂપી કાચબાઓ ઇકોસિસ્ટમમાં
મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેમાં લેધરબેક કાચબો, ગ્રીન કાચબો, લોગરહેડ કાચબો, હોક્સબિલ
કાચબો, કૅમ્પસ રિડલી કાચબો, ઓલીવ રિડલી કાચબો, ફલેટ બેક કાચબો સહિતના દરિયાઈ કાચબાઓની
સાત પ્રજાતિઓ છે. લગભગ 100 મિલિયન વર્ષો પહેલા દરિયાઈ કાચબા અસ્તિત્વમાં આવ્યા હતા.
વર્ષ 1990થી દર વર્ષે 23 મેના
રોજ વિશ્વ કાચબા દિવસ ઉજવવામાં આવે છે. કાચબાઓ દરિયામાં રહેલું લીલું ઘાસ અને પ્રિય
જેલી ફીશ ખોરાકમાં લે છે. કાચબાઓનું અંદાજે આયુષ્ય 100 વર્ષનું હોય છે.
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના અંદાજે
120 કિલોમીટરના દરિયામાં અંદાજીત 50 કિલોગ્રામ વજન ધરાવતો ઓલીવ રિડલી કાચબો અને આશરે
250 કિલોગ્રામ વજન ધરાવતાં ગ્રીન કાચબાઓ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયા તથા એશિયાના વિવિધ
દરિયાઈ દેશોમાંથી હજારો કિલોમીટરનો દરિયો ખેડીને ગ્રીન અને ઓલીવ રિડલી કાચબીઓ ઈંડા
મૂકવા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવે છે.