લોકો કાચી કેરીની પેટી ખરીદતા ડરે છે : માવઠા-વાતાવરણથી મોસમ વેડફાઇ ગઇ
રાજકોટ,તા. 22: (ફૂલછાબ ન્યૂઝ)
સોરઠ વિસ્તારના સૌથી સ્વાદિષ્ટ ફળ કેસર કેરી બજારમાં મોટાંપાયે ઠલવાઇ તો રહી છે. પરંતુ
મોસમની એવી થપાટો આંબા અને કેરીને વાગી છેકે એમાં રસકસ નથી. કાચી કેરી ખરીદીને પકવવાનો
રિવાજ સૌરાષ્ટ્રના ઘરઘરમાં છે. જોકે કાચી કેરી લીધાં પછી પકવવામાં અર્ધાંમાં બગાડ થઇ
જતો હોવાની વ્યાપક ફરિયાદ છે. કેરીને માવઠાના પાણી લાગી જતા કેરી ઘરે લાવ્યા પછી સડી
જતી હોવાની બૂમ છે. એવામાં ચાર પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી થઇ છે એટલે ઉત્પાદકોના
શ્વાસ અદ્ધર થઇ ગયા છે. ખાનાર વર્ગે કેસર કેરીના નામે નાહી નાંખવાનું આવ્યું છે.
સોરઠ વિસ્તારમાં તાલાલા યાર્ડ
કેરીની સૌથી વધારે આવક ધરાવે છે. હવે ગોંડલ પણ તેની સમકક્ષ પુષ્કળ આવક ધરાવે છે. ચાલુ
વર્ષે બન્ને સેન્ટરોમાં કેરીની આવક તો સારી થવા લાગી છેપણ ક્વોલિટીમાં ખાટવા જેવું
નથી. કેરીના દલાલભાઇઓ કહે છે, સોરઠ વિસ્તારના આંબાને મેના બીજા સપ્તાહમાં સતત વરસેલા
માવઠાંના પાણી લાગી ગયા છે. ભારે પવનોમાં ઘણીબધી કેરી ખરી પડી છે. દસેક દિવસ થોડી રાહત
થઇ હતી ત્યાં ફરી ગઇકાલથી વરસાદ શરૂ થતા હવે ઉત્પાદકોને ચિંતા થવા લાગી છે.
જોકે વપરાશકારો અત્યારે કેરીથી
ભારે નિરાશ છે. લોકો દર વર્ષે કેરીના બોક્સ સારી સંખ્યામાં ખરીદતા હોય છે પણ આ વખતે
બધા ડરે છે. એકાદ વખત બોક્સ ખરીદ્યા પછી ખરાબ અનુભવને લીધે નવી ખરીદીનો જીવ ચાલતો નથી.
અલબત્ત બગાડ થઇ રહ્યો છે એ પણ વાસ્તવિકતા છે. કેરીના એક વેપારી કહે છે, કાચી કેરી ખરીદીને
પકવવા મૂક્યાં પછી ઝડપથી પાકતી નથી એ ફરિયાદ તો છે જ પણ પોચી પડી જવી કે ચાંદી પડી
જવાની ફરિયાદ વ્યાપક છે. કેરી બહારથી સારી દેખાય છે પણ ઇયળો પડી જવાની ફરિયાદ પણ આવે
છે.
તાલાલા યાર્ડના સૂત્રો કહે છે,
કેરીની આવક ચાલુ મોસમમાં 3,03,045 બોક્સ (પ્રત્યેક 10 કિલો)ની થઇ છે. હજુ દસ પંદર દિવસ
સુધી આવક થવાની શક્યતા છે. પરંતુ વરસાદ પડે તો કેરીના પાકમાં વ્યાપક નુક્સાન થશએ અને
ખરી પડવાને લીધે નુક્સાન થશે. આમ બગાડવાળી કેરી બજારમાં આવે એવી શક્યતા વધારે છે. લોકોએ
પાકી કેરી ખરીદીને ખાવાની સલાહ તેમણે આપી હતી.
અસંખ્ય ખેડૂતો બગીચામાંથી ડાયરેક્ટ
વેપાર કરી રહ્યા છે. કોઇ બગીચામાં વરસાદની ફરિયાદ ન હોય અને સારી રીતે રહી શકી હોય
તેવી કેરીના ખાનગીમાં સોદા થાય છે અને લોકો ખરીદે છે. જોકે તેના બોક્સનો ભાવ રૂ.
1000-1300 વચ્ચે છે. જ્યારે તાલાલા યાર્ડમાં હરાજીમાં કેરી રૂ. 300થી 700માં વેચાય
છે.