• રવિવાર, 01 જૂન, 2025

ટંકારા નજીક રાજકોટની આંગડીયા પેઢીના 90 લાખની લૂંટના બે આરોપી પકડાયા

લૂંટારૂ પકડવા પોલીસે કર્યું હતું ફાયરીંગ : લૂંટની 72 લાખની રકમ કબજે કરાઈ : બન્ને આરોપી ભાવનગર પંથકના : ચારથી પાંચ આરોપી ફરાર

જાણભેદુએ જ આંગડિયા પેઢીના માલિકની માહિતી લીક કરી હોવાની આશંકા

મોરબી, તા. 22  ટંકારા નજીક ખજૂરા હોટેલ પાસે રાજકોટના આંગડિયા પેઢીના માલિકની કારનો પીછો કરી કારને ટક્કર મારી રૂ.90 લાખની લૂંટ ચલાવી હતી. જેમાંથી પોલીસે બે આરોપીઓને રૂ.72 લાખની રકમ સાથે પકડી લીધા છે. જ્યારે ફરાર ચારથી પાંચ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું જિલ્લા પોલીસ વડાએ જાહેર કર્યું છે.

જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ બનાવ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે રાજકોટમાં ટીટેનિયમ એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢી ચલાવતા નિલેશભાઈ મનસુખભાઈ ભાલોડી ગઈકાલે રૂ.90 લાખની રોકડ રકમ લઈ કારમાં મોરબી તરફ આવતા હતા.

ત્યારે તેમનો લાંબા સમયથી પીછો કરીને આવતી બે કારે ટંકારા નજીક ખજૂરા હોટલ પાસે જોરદાર ટક્કર મારી હતી અને આ રકમ લૂંટી તેઓ ફરાર થઈ ગયા હતા. ફરિયાદીએ તેમના જાણીતા રાજકોટના સિનિયર પોલીસ અધિકારીને તુરંત જાણ કરી હતી. જેઓએ ડીવાયએસપી ઝાલાને જાણ કરતા તેઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લૂંટના આરોપીને પકડી લેવા પોલીસ દ્વારા જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી હતી. આ સાથે આરોપીઓને અટકાવવા પોલીસે હવામાં એક રાઉન્ડ ફાયારિંગ પણ કર્યું હતું.

 બે આરોપી અભિ લાલાભાઈ અલગોતર (ઉ.વ. 25) અને  અભિજીત ભાવેશભાઈ ભાર્ગવ (ઉ.વ. 25)ને રૂ.72 લાખની રોકડ સાથે પકડી લેવામાં પોલીસને સફળતા મળી છે. આ બન્ને આરોપીઓ ભાવનગર પંથકના છે. જેમાં એક આરોપી ગુનાઈત ઇતિહાસ ધરાવે છે. હજુ 4થી 5 આરોપીઓની શોધખોળ ચાલુ છે. કોઈ જાણભેદુએ જ આંગડિયા પેઢીના માલિકની માહિતી લીક કરી હોવાની આશંકાના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે.

વધુમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે રૂ. 72 લાખની રોકડ રિકવર કરવામાં આવી છે. બે કાર અને ડોક્યુમેન્ટ સહિતની વસ્તુઓ કબ્જે કરવામાં આવી છે. આ રકમ ફરિયાદી ક્યાંથી લાવ્યા અને ક્યાં આપવાના હતા તે અંગે પણ તપાસ કરાશે. અંતમાં એસપીએ કહ્યું કે અગાઉ નાકાબંધીની મોકડ્રિલ કરી હતી જેના આધારે ગણતરીના સમયમાં જ બન્ને ડીવાયએસપી, એસઓજી, એલસીબી, ટંકારા પોલીસ, વાંકાનેર પોલીસ સહિતની ટીમોએ એક્ટિવ થઈ નાકાબંધી કરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક