• રવિવાર, 01 જૂન, 2025

તાલાલા 1.5, કુંઢેલ-માંગરોળ અને જેસરમાં 1 ઇંચ માવઠું

અરબ સાગરમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં ભારે પવન

સાથે વરસાદની આગાહી, બે દિવસ સામાન્ય બાદ વરસાદનું જોર વધવાની સંભાવના

માળિયા હાટીના 0.75, તળાજા 0.5 ઇંચ

સુરતના ઓલપાડમાં વીજળી પડતા મહિલાનું મૃત્યુ

રાજકોટ તા.21: ગુજરાતમાં નૈઋઍત્યના ચોમાસાનું સત્તાવાર આગમન થાય એ પહેલાં જ અરબ સાગરમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે 21થી 26 મે સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લાવાઇઝ વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે આજે આગાહીના પગલે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જ અસહ્ય બફારાથી લોકો ત્રસ્ત થઇ ઉઠયા હતા. મોટભાગના વિસ્તારમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં તાલાલા 1.5, કુંઢેલી-માંગરોળ 1, માળિયા હાટીના 0.75, તળાજા 0.5 ઇંચ માવઠું વરસ્યું હતું. જેના કારણે ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે. ભારે પવનના કારણે વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થતા અનેક સ્થળે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.

હવામાન વિભાગ જણાવે છે કે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર ઉત્તર કર્ણાટક ગોવાના દરિયાકાંઠે અપર એર સાઇકલોની સર્ક્યુલેશન સક્રિય થયું છે. જે આગામી 12થી 18 કલાકમાં લો પ્રેશર એરિયામાં અને ત્યારબાદ 36 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની પ્રબળ શકયતા જણાઈ રહી છે જેના પગલે વાવાઝોડાનો સંભવિત ખતરો છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન ને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે દરિયાઈ વિસ્તારમાં વરસાદી માહોલ છે. જેના કારણે  21થી 26 મે સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા જિલ્લાવાર વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી પાંચ દિવસ માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર ઉત્તર કર્ણાટક ગોવાના દરિયાકાંઠે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આજે સવારે એટલે કે 21 મે 2025ના રોજ સક્રિય થયું છે અને આગામી 12થી 18 કલાકમાં આ એડ સાયક્લોનિક સલ્ક્યુલેશન લો પ્રેશર એરીયામાં પરિવર્તિત થવાની પ્રબળ શકયતા છે. લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થયા બાદ આગામી 36 કલાક માટે ઉપર દિશામાં આગળ વધશે અને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે જેના પગલે વાવાઝોડું આવવાની શક્યતા જણાઈ રહી છે. 

તાલાલા: બોપર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ શરુ થયો હતો. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દોઢ ઇંચ જેટલો કમોસમી વરસાદ પડયો હતો. ભારે પવનના કારણે કેસર કેરીના બગીચામાં કેરી ઉતારવાની કામગીરી ઠપ્પ થતા ખેડૂતો મુશકેલીમાં મુકાઇ ગયા હતા.

કુંઢેલી: આજે સવારે એક ઇંચ ડેટલો વરસાદ વરસતા ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. મહા મહેનતે તૈયાર થયેલા ડુંગળીની કળી(કાંજી), તલ, ઘાસચારો વગેરે પલળી જવા પામ્યા હતા.

માળિયાહાટીના: આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહયું હતું. સવારે સાડા અગિયાર વાગ્યે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. જોરદાર પવનના કારણે સરકારી હાઇસ્કૂલ પાસે એક વૃક્ષ પડી ગયું છે.

ધારી: આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બારે પવન સાથે આજુબાજુના ગામડાઓમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો.

સાવરકુંડલા : આજે વહેલી સવારે અમરેલી જિલ્લા અને ખાસ કરીને સાવરકુંડલા પંથકમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે. ભારે પવન સાથે વરસેલા આ અનરાધાર વરસાદને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સાવરકુંડલા શહેર પાણી-પાણી થઈ ગયું છે  વરસાદના કારણે ચેકડેમ પણ ઓવરફ્લો થયાના અહેવાલ છે.

ડેડાણ: ગ્રામ્ય વિસ્તારમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેતી પાકને નુકશાન થયું છે. ત્યારે આપના મહામંત્રી ધીરુભાઇ સાવલિયાએ રાજય સરકાર પાસે માગણી કરી છે કે તાત્કાલીક ખેડૂતોને માવઠાથી થયેલી નુકશાનીની સહાય ચૂકવવામાં આવે.

તળાજા: શહેર અને સમગ્ર તાલુકામાં આજે વરસાદી માહોલ વચ્ચે સવારના 7.45ના સમયગાળા દરમિયાન અચાનક તેજ પવન સાથે ધોધમાર સ્વરૂપે વરસાદે વરસવાનું શરૂ કર્યું હતું.  પવનની ગતિપણ તેજ હોય સાથે આકાશી કડાકા ભડાકા,વીજળીના ચમકારાને લઈ મીની વાવાઝોડુ ત્રાટક્યું હતું. જેના પગલે શહેરમા વૃક્ષ ધરાશાયી થયાના બનાવ બન્યા છે.  15 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.

બોટાદ: માર્કેટીંગ યાર્ડ દ્વારા હવામાન વિભાગની આગાહીના પગલે ખેડૂતાને જણસ સુરક્ષિત રીતે લાવવા સૂચના આપવામાં આવી છે. યાર્ડમાં માલ શેડની અંદર રાખવો, વેપારીએ પોતાના ગોડાઉનમાં માલ રાખવો તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.

ગારીયાધાર: આજે વહેલી સવારે ભારે વરસાદી ઝાપટું વરસી પડયું હતું.

સુરત : આજે સવારથી જ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં બદલાવ આવ્યો છે અને આકાશ કાળા ડિબાગ વાદળોથી ઘેરાઈને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયું હતુ.  ઓલપાડ તાલુકાના સરસ ગામમાં મંજુલાબેન પટેલ નામની મહિલા પોતાના ખેતરમાં ભીંડા વીણવા ગઈ હતી. તે વેળાએ અચાનક તેમના પર વીજળી પડી હતી. વીજળી પડવાથી મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી અને ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. ગ્રામજનો દ્વારા સરકાર પાસે મૃતક મહિલાના પરિવારને આર્થિક સહાય આપવાની માગ કરવામાં આવી રહી છે. ઉમરપાડામાં 37 મીમી વરસાદ નોંધાયો છે.

જૂનાગઢ: માંગરોળ-માળિયા હાટીનામાં બપોરના સમયે એકાએક વંટોળરુપી પવન સાથે માવઠું શરુ થયું હતું. માંગરોળમાં એક કલાકમાં એક ઇંચ પાણી પડતા માર્ગો ઉપર પુરની માફક પાણી વહેવા લાગ્યા હતા. અમુક સ્થળે વૃક્ષો ધરાશયી થયા હતા તેને ત્વરીત દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત્ કરાયો હતો. જયારે માળિયા હાટીનામાં તોફાની પવન સાથે પોણો ઇંચ પાણી પડયું હતું. ભારે પવનને કારણે કેરીઓ ખરી પડી હતી. ઉનાળુ પાકને પણ નુકશાન પહોચ્યું હતું. જૂનાગઢ-વંથલીમાં ભારે ઝાપટા વરસ્યા હતા.

ભાવનગર: વહેલી સવારે ભારે પવન ફૂંકાયો હતો. જયારે જેસરમાં એક ઇંચ અને તળાજા પંથકમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. જિલ્લાના અન્ય તાલુકામાં પવન સાથે છૂટો છવાયો વરસાદ પડયો હતો.

ક્યારે ક્યાં વરસશે વરસાદ ?

22 મે : છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

23 મે: રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, ભરુચ નર્મદા, સુરત તાપી, ડાંગમાં છૂટાછવાયો વરસાદ અને અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દીવ, દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.

24 મે: રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી

25 મે : પોરબંદર, રાજકોટ, અમરેલી, સુરત, તાપીમાં છૂટાછવાયો વરસાદ અને જૂનાગઢ, ગીર-સોમનાથ, દીવ, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

26 મે : જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં હળવાથી ભારે વરસાદની આગાહી

ઇ-પેપરના નવા શુલ્ક