દુબઈ, ઓમાન, શારજાહ, અમીરાત સહિત મિડલ ઇસ્ટની ફ્લાઈટનું કોઈપણ સમયે લેન્ડિંગ થઈ શકશે
આતંકી હુમલા બાદ પાક. દ્વારા
એરસ્પેસ બંધ કરાતાં અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થતી લંડનની ફ્લાઈટ માટે વૈકલ્પિક વ્યવસ્થા
કરાઈ
રાજકોટ તા.25 : રાજકોટનું આંતરરાષ્ટ્રીય
એરપોર્ટ આગામી બે માસ સુધી 24 કલાક ખુલ્લુ રહેશે અને અહીં દુબઈ, ઓમાન, શારજાહ, અમીરાત
સહિત મિડલ ઇસ્ટની ફ્લાઈટનું કોઈપણ સમયે લેન્ડિંગ થઈ શકશે તેવો નિર્ણય એરપોર્ટ ઓથોરિટી
દ્વારા લેવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થતી લંડનની ફ્લાઈટ પણ હવે
પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ નહીં કરે તેવી શક્યતા છે, ઉલ્લેખનીય છે કે, પહેલગામ આતંકી
હુમલા બાદ ભારત સરકારના પગલાંને લઈ પાકિસ્તાને ભારતીય એરલાઈન્સ માટે એરસ્પેસ ક્લોઝ
કરતા હાઈ ઓથોરિટી દ્વારા મિડલ ઇસ્ટ દેશોમાંથી આવતી ફ્લાઈટની ઇમરજન્સી લેન્ડિગ માટે
આ નિર્ણય લઈ રાજકોટ એરપોર્ટ ઓથોરિટીને જાણ કરવામાં આવી હતી.
આ સંદર્ભે એરપોર્ટ ડિરેક્ટર દિગંત
બોરાહના અધ્યક્ષસ્થાને ગઈકાલે મહત્ત્વપૂર્ણ માટિંગ મળી હતી. બેઠકમાં એરપોર્ટના તમામ
વિભાગના અધિકારીઓ અને ખાસ કરીને ઓપરેશનલ ટીમ સાથે અગત્યની વાટાઘાટો સાથે 24 કલાક એરપોર્ટને
ચાલુ રાખવા માટે વધુ 50 જેટલો સ્ટાફને મોકલવા વેસ્ટર્ન રીઝનને જાણ કરવામાં આવી છે.
આ ઉપરાંત કસ્ટમ, ઇમિગ્રેશનની ઓથોરિટીને જાણ કરી છે.