ચાલુ વર્ષે હવામાનની પ્રતિકૂળતાએ કેસર કેરીના પાકને હાનિ પહોંચાડતા આવક ઘટવાની શક્યતા
નિલય ઉપાધ્યાય
રાજકોટ, તા.25 : આફુસ, રત્નાગીરી
કે પાયરી કોઇપણ મધમીઠી કેરી ભલે બજારમાં મળતી હોય પણ કેસરનું આગમન હંમેશાં ઉત્કંઠા
જગાવતું હોય છે. સોરઠમાં કેસર કેરીનો પાક કેવો આવશે ત્યાંથી માંડીને આવક કેટલી થશે
તેના ગણિતો રોચક રહ્યા છે. કારણકે સોરઠની કેસર આવે એ પછી જ કેરી ભાવની દૃષ્ટિએ સુલભ
બનતી હોય છે. કેરીની જાહેર હરાજી ગોંડલમાં પણ થાય છે. જોકે તાલાલા યાર્ડની વાત અનોખી
છે. તાલાલા ખૂલે એટલે કેરીના ઢગલાં બજારમાં વધે છે. આવતીકાલથી તાલાલા યાર્ડ શરૂ થઇ
રહ્યું છે.
ફરી ઉનાળાની મોસમ અને કેરીના
મીઠાં રસના દિવસો જામશે.
તાલાલામાં થતી આવક પર બધાની નજર
એટલે હોય છે કે સોરઠ વિસ્તારની કેરીનો સ્વાદ અનોખો હોય છે. એવો જ સ્વાદ બાદમાં આવતી
કચ્છની કેરીનો પણ મળે છે. 2023ના વર્ષમાં તાલાલા યાર્ડમાં કેસર કેરીની દસ વર્ષની ટોપ
આવક થઇ હતી. પાછલું વર્ષ નબળું હતું અને ચાલુ વર્ષ પણ ઓછાં પાકને લીધે નબળું બોલાય
છે ત્યારે ખરેખર કેરી કેટલી આવશે, કેટલી સસ્તી થશે તેના પર સૌની નજર છે.
તાલાલા માર્કેટીંગ યાર્ડ પાસેથી
કેરીની આવકના અંક પ્રાપ્ત થયા છે તે પ્રમાણે ગઇ સીઝનમાં 5.96 લાખ બોક્સ (10 કિલો)ની
હરાજી થઇ હતી. એ પૂર્વે 2023માં 11.13 લાખ બોક્સની રેકોર્ડબ્રેક આવક થવા પામી હતી.
બમ્પર આવકને લીધે કેરીનો સરેરાશ ભાવ રૂ. 700 આસપાસ થઇ ગયો હતો. જોકે ગયા વ્રષે પાક
ઓછો હતો અને આવક પણ ઘટી એટલે સરેરાશ રૂ. 800-850ના ભાવ રહ્યા હતા. જોકે 2011માં 14
લાખ બોક્સની ઐતિહાસિક આવક હતી.
યાર્ડમાં 2000ના વર્ષથી કેસર
કેરીની હરાજી થાય છે. ત્યારનો આંકડો તપાસીએ તો સૌથી ઓછી આવક 2002ના વર્ષમાં માત્ર
4,31,430 બોક્સની થઇ હતી. એ વખતે સરેરાશ ભાવ રૂ. 75 પ્રતિ બોક્સ હતો. ઓછાં ઉત્પાદન
છતાં ખેડૂતોને અપૂરતા ભાવ મળ્યા હતા.
આવતીકાલથી કેરીની હરાજી શરૂ થઇ
રહી છે એમાં પાછલા વર્ષ કરતા ઓછી અર્થાત 5.96 લાખ બોક્સ કરતા ઓછી આવક થવાનો અંદાજ છે.
જો આવક પાંચ લાખ બોક્સની અંદર ઉતરશે તો 2001ના વર્ષ પછીની સૌથી નીચી આવક થઇ ગણાશે.
ખેર, એવું ન બને તેવી આશા રાખીએ કારણકે લોકોને ભરપેટ કેરી ખાવા મળે.
કેરીની આવક માટે તાલાલા યાર્ડના
ઇતિહાસમાં સૌથી ઉંચો ભાવ 2022-23માં રૂ.
740 પ્રતિ બોક્સ સરેરાશ રહ્યો હતો. આવો ભાવ ભૂતકાળમાં ક્યારેય જોવાયો નથી.કારણકે ગયા
વર્ષમાં પણ રૂ. 700 આસપાસનો ભાવ રહ્યો હતો.
તાલાલામાં છેલ્લે સૌથી વધારે
આવક 11.13 લાખ બોક્સની 2023માં થઇ હતી. જોકે ટોચની આવક 14.87 લાખ બોક્સ 2010-11ના વર્ષમાં
જોવા મળી હતી.