• શનિવાર, 13 એપ્રિલ, 2024

વિકાસ અને વિરાસતનો સેતુ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બે દિવસીય સૌરાષ્ટ્ર મુલાકાત લોકોના આવકાર અને ભાજપના ઉત્સાહ વચ્ચે સંપન્ન થઈ. સ્વાભાવિક રીતે આ મુલાકાત અને જે કંઈ પણ લોકાર્પણ શિલાન્યાસ થયા તેનો હેતુ લોક-સુવિધા વધારવા સાથે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવવા સાથે લગભગ ત્રણેક અઠવાડિયા પછી જાહેર થનારી લોકસભાની ચૂંટણી પણ છે જ. 2024ની લોકસભાની સામાન્ય પરંતુ એક રીતે અતિ અસામાન્ય એવી ચૂંટણીઓ આંગણે આવીને ઊભી છે એવા સમયે સમગ્ર દેશમાં મોદી મેજિક અને હવે જેને મોદી ગેરંટી એવો શબ્દ અપાયો છે તે ભાવ છવાયો છે. પશ્ચિમ બંગાળ અને દક્ષિણના કેટલાક રાજ્યોને બાદ કરતા આ પ્રભાવ લગભગ બધે જોવા મળી રહ્યો છે અને સૌરાષ્ટ્ર તો બે દિવસ ફરી એકવાર આ રંગે રંગાયું. રાજકીય દ્રષ્ટિકોણ, રાજકીય ફાયદા, ગેરફાયદા કે રાજકીય ઈરાદા એ એક બાજુ છે અને જે વાત વડાપ્રધાને સૌરાષ્ટ્રના પોતાના પ્રવાસ દરમિયાન કરી તે અલગ રીતે જોવા જેવી છે. દ્વારકામાં ઇજનેરી કૌશલ્યના અત્યંત જીવંત અને આધુનિક તથા એક રીતે ચમત્કાર કહી શકાય તેવા ઉદાહરણ સમાન સેતુનું લોકાર્પણ કરીને નરેન્દ્રભાઈએ કહ્યું કે અમારી સરકાર વિકાસ અને વિરાસત વચ્ચે સેતુ બાંધી રહી છે. આ જ વાત તેમણે રાજકોટની જાહેર સભામાં પણ કરી અને અગાઉ પણ કરતા આવ્યા છે. દેશના પ્રવર્તમાન સંજોગો અને દેશની જે કંઈ પણ ગતિવિધિ ચાલી રહી છે તેમાં આ મુદ્દો ઘણો મહત્વનો છે અને તેના દ્રષ્ટાંતો આપણે નરી આંખે જોઈ રહ્યા છીએ.

એક તરફ દ્વારિકા અને બેટ દ્વારકા વચ્ચે આવા આધુનિક સેતુનું નિર્માણ થયું, તેનું લોકાર્પણ થયું. આપણે જે કલ્પી પણ ન શકતા એ વસ્તુ આજે સામે ઊભરીને આવી. તો બીજી તરફ તે જ સ્થળે વડાપ્રધાને સ્કૂબા ડાઈવીંગ કરીને સમુદ્રના તળમાં જઈને યુગો પહેલા ધરબાઈ ગયેલી દ્વારિકાનગરીના અવશેષ મનાતા અનેક હિસ્સાને સ્પર્શ કર્યો ત્યાં મોરપીછ અર્પણ કર્યું. એક તરફ એ પુરાતન દ્વારિકાને તેમણે મસ્તક ઝુકાવ્યું અને બીજી તરફ દ્વારિકા તથા સૌરાષ્ટ્ર ગુજરાતના ધાર્મિક પ્રવાસન ક્ષેત્ર એટલે કે રિલિજિયસ ટૂરીઝમને અત્યંત વેગ મળે તેવું એક મોટું કાર્ય પણ સંપન્ન થયું. આ ખરેખર વિકાસ અને વિરાસતનો સેતુ છે. આ પૂર્વે કેદારનાથની ગુફામાં કે કાશી ગંગા કિનારે નરેન્દ્રભાઈના સ્નાન, નરેન્દ્રભાઈના પૂજા અર્ચનાના અનેક દાખલા આપણે જોયા છે અને એ વિરાસતની જાળવણી વિવિધ ધાર્મિક સ્થળો પર જુદા જુદા કોરિડોર્સનું નિર્માણ, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અને મૂર્તિનો શિલાન્યાસ એક સંકલ્પ સિદ્ધિની સાથે જ એક વિરાસતની પુન:સ્થાપના છે તે પણ પ્રજાએ તાજેતરમાં જોયેલી ઘટનાઓ છે.

વર્ષોથી ભારત વિજ્ઞાન અને આધ્યાત્મને બે કિનારે ચાલતો દેશ છે અને ઉછરેલી સંસ્કૃતિ છે તે વાત વધુ એક વાર પ્રસ્થાપિત થઈ છે. આ ભૌતિકતા અને તેના કરતાં પણ વધારે વિરાસતને કે પરંપરાને ભૂલવાની એક ભૂલ અથવા તો એક ફેશન વચ્ચેના સમયમાં ચાલી આધુનિકતા અપનાવવા સામે કોઈ વાંધો ન હોય પરંતુ પરંપરાના મૂળ કાપીને આધુનિકતાના વૃક્ષો ઉછરી શકે નહીં તેવું લોકો સમજતા હોવા છતાં તેને અનુસરતા નહોતા. અત્યારે ધાર્મિક પરંપરાઓ મંદિરના નિર્માણથી માંડી અને અદ્યતન ટેકનોલોજીની હરણફાળ નહીં પરંતુ ટાઈગર જંપ કહેવાય તેવી ગતિ આપણે જોઈ રહ્યા છીએ. વડાપ્રધાને સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન અબજો રૂપિયાના લોકાર્પણ કર્યા તેમાં બે સૌથી મહત્વની વાત એ ભારતને રાજકોટ સહિત કુલ પાંચ એઈમ્સ હોસ્પિટલ મળી તે છે અને બીજી મહત્વની વાત આ સુદર્શન સેતુ છે. થોડા સમય પહેલા આપણા જ વૈજ્ઞાનિકોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન ઉતારીને આપણી વૈશ્વિક સિદ્ધિઓને બ્રહ્માંડ વ્યાપી બનાવી હતી. આપણે આદિત્ય એલ વન યાન સુધી પણ પહોંચ્યા. ચંદ્ર અને સૂર્ય માટેના સંશોધનો ભારતીય વૈજ્ઞાનિકો કરી રહ્યા છે તે નાની ઉપલબ્ધિ નથી. આપણે આપણી પરંપરામાં ચંદ્ર અને સૂર્યની સ્તુતિ ગાય છે તેના સ્તોત્રો પણ ગયા છે અને એ જ ભારત આજે એ ઊંચાઈ પર પહોંચી ગયું છે. વિકાસ અને વિરાસત આ બંને શબ્દો પોતપોતાની રીતે પોતપોતાને દિશામાં જીવી રહ્યા છે જે વિકાસની વાત થાય છે તેની શરૂઆત ભલે કદાચ વર્ષો પહેલા થઈ હોય પરંતુ તેની ગતિ જે રીતે અત્યારે પકડાઈ છે તે પણ ઉલ્લેખનીય છે. વડાપ્રધાનનું દ્વારિકાના દરિયામાં નિમજજન એટલે કે ઊંડે ઉતરવું અને ત્યાં મોરપીંછ લઈને જવું તે પણ રાજકીય રીતે તો ઘણું બધું સૂચક છે જ પરંતુ તેમની વય તેમનું પદ તે બધું જોતા તે ઘણી હિંમત અને સાહસ માગી લે એમ છે અલબત્ત તેમણે કહ્યું કે આમાં સાહસ કરતાં પણ વધારે શ્રદ્ધાનું મહત્વ છે. આ તમામ બાબતો તમામ સિદ્ધિઓ અને અત્યાર સુધી થયેલા લોકાર્પણો અને હજી ચૂંટણીને વાર છે ત્યારે દેશના અન્ય હિસ્સાઓમાં ગુજરાતમાં હવે પછી થનારા લોકાર્પણ બાબતે કેટલીક અપેક્ષાઓ લોકોની રહે છે.

ને રસ્તાનું બહુ મોટું નેટવર્ક આપવા ઉપરાંત સૌની યોજના જેવી પાણીની મહત્વની યોજના પણ રાજ્ય અને કેન્દ્ર સરકારે મળીને આપી છે તેમ છતાં પ્રજાની અપેક્ષા અથવા તો અત્યારે જે કંઈ પણ લોકોના મનમાં છે તે વાત એ છે કે અગાઉના અનુભવો એવા રહ્યા છે કે સરકારી સંસ્થાન શરૂ તો થઈ જાય પરંતુ પછી તે સાતત્યસભર અને એ જ ગુણવત્તાથી ચાલુ રહે કે કેમ એ પ્રશ્ન હોય છે. રાજકોટને તાજેતરમાં જ મળેલું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કદાચ તેનું ઉદાહરણ છે. આ એરપોર્ટ શરૂ થયા પછીના છ મહિના બાદ પણ જે રીતે તેના વિશે વાત થઈ હતી અને મુસાફરોની અપેક્ષા હતી તે રીતે તેની સેવા મળી રહી નથી. લોકોના મનમાં સરકાર માટે આભાર અને આનંદ સાથે એક સંશય અને પ્રશ્ન પણ છે કે જે લોકાર્પણ થયા જે સુવિધાઓ આપણને મળી રહી છે તે ખરેખર જે આપણી અપેક્ષા ને જરૂર છે તે મુજબ ચાલશે તો ખરીને? એઇમ્સ માટે માત્ર રાજકોટની પરંતુ સમગ્ર ગુજરાતના લોકોની બહુ જ મોટી અપેક્ષા છે કારણ કે આ ગુજરાત રાજ્યની સૌથી પ્રથમ એઇમ્સ હોસ્પિટલ છે અને જ્યારે તેની શરૂઆત થઈ હતી ત્યારથી લોકોને સ્વાસ્થ્ય સુવિધા, સ્વાસ્થ્ય સેવા માટે ઘણી આશા અપેક્ષા બંધાયેલી છે જોકે લોકોને તથા આવા સંશયની સામે તરત જ એક શબ્દ પણ જનમાનશ ઉપર સતત પડઘાઇ રહ્યો છે કે આ મોદીની ગેરંટી છે એટલે જે લોકાર્પણ થયા અને થઈ રહ્યા છે તે ખરેખર લોકોપયોગી પણ બનશે તેવી ગેરંટીની અપેક્ષા અને તેવી ગેરંટીનો વિશ્વાસ લોકોના મનમાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક