• શનિવાર, 13 એપ્રિલ, 2024

‘ખેડૂતો’એ તક ગુમાવી

પંજાબના ખેડૂતોના નામે આંદોલન ચલાવી રહેલા નેતાઓએ ઘઉં અને ચોખા સિવાયના પાંચ પાક પાંચ વર્ષ સુધી ટેકાના ભાવે ખરીદવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવી દેતાં બંને પક્ષોનું વલણ વધુ સખત બન્યું છે અને સમાધાનની શક્યતા દૂર ઠેલાઇ છે. કેન્દ્ર સરકારે પ્રસ્તાવ મૂક્યો હતો કે જે ખેડૂતો ઘઉં અને ચોખાને બદલે કપાસ, મકાઈ, તુવેર, અડદ અને મસૂર ઉગાડવા તૈયાર હોય તેમની પાસેથી કેન્દ્ર સરકાર પાંચ વર્ષ સુધી તેમનો તમામ પાક ટેકાના ભાવે ખરીદી  લેશે. કેન્દ્રની એજન્સીઓ નાફેડ અને સીસીઆઈ સબંધિત ખેડૂતો સાથે કોન્ટ્રાકટ કરશે. આ પ્રસ્તાવ સ્વીકારાયો હોત તો ખાસ કરીને પંજાબ-હરિયાણાના ખેડૂતોને તેમના પાક પર જોખમમુક્ત યોગ્ય વળતર મળવાની તક પ્રાપ્ત થાત. પાકમાં વૈવિધ્ય આવે તો ખેતીની ઘણી સમસ્યાઓ હળવી બને. પંજાબની જમીન ચોખા જેવા પુષ્કળ પાણી માગી લેતા પાકને અનુકૂળ નથી. તેને બદલે અન્ય પાક લેવાય તો ભૂગર્ભજળનાં તળ વધુ નીચે જતાં અટકે, જમીન ઉજ્જડ થતી અટકે, પશુઓને ચારો મળે અને પરાળ બાળવાનું બંધ થવાથી પ્રદૂષણ ઘટે. ભારત દર વર્ષે લાખો ટન કઠોળની આયાત કરે છે તે ઘટાડી શકાય. જો કે આ યોજનામાં બે મોટી ખામી છે. પ્રસ્તાવિત ખરીદી જે ખેડૂતો ઘઉં અને ચોખાને બદલે અન્ય પાક લે તેમના પૂરતી સીમિત છે. જે ખેડૂતો અત્યારે આ પાક લેતા હોય તેમને એનો લાભ મળવાનો નથી. આ યોજનાનો અમલ નાફેડ અને સીસીઆઈ જેવી સરકારી સંસ્થાઓ કરવાની હતી એ હકીકત પણ તેને આકર્ષક બનાવે તેવી નથી. આમ છતાં તે સ્વીકારાઈ હોત તો દેશને લાભ થાત. 

આંદોલનકારી નેતાઓએ આ ઓફર નકારી કાઢી છે. તેઓ પોતાની મૂળ માંગણી પર મક્કમ છે: 23 પાકની તમામ પેદાશ ટેકાના ભાવે ખરીદી લેવાની ગેરંટી આપતો કાયદો ઘડો. તેમણે આ ઓફરને મૂળ મુદ્દા પરથી ધ્યાન અન્યત્ર વાળી દેવાની કવાયત ગણાવી છે અને કહ્યું છે કે આમે ય સરકારી એજન્સીઓ  ટેકાના ભાવે રૂ અને કઠોળની ખરીદી કરતી જ હોય છે. એટલે આમાં કશું નવું નથી. તેમની બીજી દલીલ એવી છે કે આ ત્રેવીસે પાકની બધી ઉપજ ખરીદવા માટે કેન્દ્રને રૂ. 1.75 લાખ કરોડની જરૂર પડે. તે આટલો પૈસો એમએસપી પર વાપરે તો આયાતની જરૂર ન પડે. આ દલીલમાં ખામી એ છે કે તેમનો ખર્ચનો અંદાજ ખૂબ ઓછો છે. ગયે વર્ષે માત્ર અનાજની ખરીદી માટે કેન્દ્રે રૂ. 2.28 લાખ કરોડ ચૂકવ્યા હતા. કેન્દ્રના અને અન્ય નિષ્ણાતોના મતે બધા પાકની ઉપજ ખરીદવા માટે રૂ. 10થી 15 લાખ કરોડ જોઈએ, જે કેન્દ્ર સરકારનું બજેટ ખોરવી નાખે. બીજું નુકસાન અલગ.  

મૂળ કારણ જો કે રાજકીય છે. સ્થાનિક અને વિદેશી દેશવિરોધી લોબીઓના હાથા જેવા નેતાઓ ખેડૂતોના નામે ચૂંટણીની પૂર્વસંધ્યાએ મોદી સરકારને ભીડાવવા માગે છે. તેમનો ઉદ્દેશ આ તાપણું શક્ય હોય ત્યાં જલતું રાખવાનો અને કેન્દ્રને બળપ્રયોગ કરવા માટે ઉશ્કેરવાનો છે જેથી ઘરઆંગણે મોદીને અને વિદેશમાં ભારતને બદનામ કરી શકાય. ખરા ખેડૂતો અને તેમની સમસ્યાઓને આ આંદોલન સાથે કશો સંબંધ નથી.

ઇ-પેપરના નવા શુલ્ક