પશ્ચિમ બંગાળનાં ઉત્તર 24 પરગણા જિલ્લાનાં સંદેશખાલી ગામમાં મહિલાઓનાં કથિત યૌન ઉત્પીડન મામલામાં રાજ્ય સરકારનો અત્યાર સુધીનો અભિગમ માત્ર અસંવેદનશીલ નહીં બલ્કે રાજકીય રૂપે અદૂરદર્શી પણ ગણાશે. કોલકતા હાઈકોર્ટની ટિપ્પણીઓથી એ પણ પ્રતીત થાય છે કે, રાજ્યની સરકાર આ કેસમાં ન્યાય સુનિશ્ચિત કરવાને બદલે તેનાં માર્ગમાં વિક્ષેપો ઉભા કરવાનું કામ કરી રહી છે. રાજ્યમાં વિપક્ષનાં નેતા સુવેન્દુ અધિકારીને ઘટનાસ્થળે જવા માટે શરતી મંજૂરી આપતાં 20 ફેબ્રુઆરીએ હાઈ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, પ્રથમ દૃષ્ટિએ લાગે છે કે, આરોપીએ જનતાને નુકસાન પહોંચાડયું છે અને તે હજી સુધી પોલીસની પકડની બહાર છે ? આનો અર્થ સ્પષ્ટ છે કે, રાજ્યની પોલીસ તેને પકડવામાં અક્ષમ છે અથવા તો તે તેનાં અધિકાર ક્ષેત્રની બહાર છે. જે પ્રકારે સંદેશખાલી ગામની વાડાબંધી કરવામાં આવી કે પછી વિપક્ષી નેતાઓ અને મીડિયાને ત્યાં જતાં રોકવામાં આવ્યા છે તેનાથી શંકા ઘેરી બની જાય છે કે કંઈક તો એવું છે જેનાં ઉપર પડદો નાખવાની કોશિશ કરવામાં આવી રહી છે. જો કે સંદેશખાલી એકમાત્ર આવો કિસ્સો નથી અને પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર પણ દેશની એકમાત્ર એવી રાજ્ય સરકાર નથી જેનાં ખોટા ફેંસલાએ એક સ્થાનિક ઘટનાને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કિસ્સો બનાવી દીધો. પરંતુ જે રાજ્યનાં મુખ્યપ્રધાન એક મહિલા હોય અને ત્યાં તો આવી કોઈ ઘટનામાં અધિક સક્રિયતાની અપેક્ષા રાખવામાં આવે છે. તેનાથી વિપરિત મમતા બેનરજી કાર્યવાહીમાં સુસ્ત દેખાય અને રાજકીય આરોપ-પ્રત્યારોપ દ્વારા આ પ્રકરણને દબાવી દેવાનાં પ્રયાસો પણ કરવામાં આવ્યાં. જાન્યુઆરીનાં પ્રથમ સપ્તાહમાં આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. પક્ષનો સ્થાનિક નેતા શાહજહાં શેખ અને તેનાં મળતિયાઓ કથિતરૂપે લોકોની જમીન હડપવા, મહિલાઓનું શોષણ અને ખંડણી વસૂલવા સહિતનાં ગુનાઈત કૃત્યોમાં સપડાયેલા છે. લોકસભાની ચૂંટણી માથે છે તેવા સમયે તૃણમૂલ સરકારે એક સંજુદા પહેલ સંદેશખાલીને એક રાજકીય કે ધ્રુવીકરણનો મુદ્દો બનતા અટકાવી શકી હોત પણ એવું ન કરીને રાજ્ય સરકારે વિપક્ષને એક મોટી તક આપી દીધી. જે પ્રકારનાં રાજકીય માહોલમાં આપણે જીવી રહ્યાં છીએ તેમાં રાજનેતાઓ માટે ચૂંટણી જીત જ સર્વોચ્ચ મહત્વતા ધરાવે છે. શાહજહાં શેખને મળેલું રક્ષાકવચ આવા મતનો જ લોભ પ્રતીત થાય છે. આવા સંજોગોમાં નિ:શંકપણે ન્યાયપાલિકાની જવાબદારી વધી જાય છે અને તેણે દૃઢતાથી બંધારણ અને તેનાં મૂલ્યોની જાળવી રાખવા માટે અડગતા દેખાડવી પડે છે. સંદેશખાલી કેસમાં કોલકતા હાઈકોર્ટે ઉચિત જ કહ્યું છે કે, આરોપોથી કોઈ દોષિત બની જતું નથી પણ સરકારનું દાયિત્વ બને છે કે તે આરોપીને અદાલત સમક્ષ રજૂ કરે. શાહજહાં શેખ તૃણમૂલ સાથે જોડાયેલા છે ફક્ત એટલા માટે તેને કોઈ શંકામાંથી છૂટ કેવી રીતે આપી શકાય?