• શનિવાર, 27 જુલાઈ, 2024

મોંઘવારીના પડકાર માટે ઘર - આંગણનાં કારણો દોષી 

કોઇપણ અર્થતંત્રના માપદંડોમાં વિવિધ ચાવીરૂપ બાબતોમાં મોંઘવારીનો મુદ્દો મહત્ત્વનો બની રહેતો હોય છે. ભારતમાં અને વિશ્વભરનાં અર્થતંત્રોને મોંઘવારીનો પડકાર સતત સતાવતો રહ્યો છે. દુનિયામાં ચાલતા મંદીના માહોલ અને વિવિધ ક્ષેત્રોમાં ચાલતાં યુદ્ધોને લીધે પુરવઠાના પ્રવાહને અસર પહોંચી છે, જેને લીધે વિશ્વના દેશો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે.  

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)ના ગવર્નરે વધતા ભાવો અને વૈશ્વિક તંગદિલીને લીધે મોંઘવારી પર કાબૂ મેળવવાનું મુશ્કેલ થઇ ગયું હોવાનો પ્રમાણિક મત વ્યક્ત કર્યો છે. તેમણે એવો પણ સ્વીકાર કર્યો છે કે મોંઘવારીને કાબૂમાં લીધા વગર અર્થતંત્રને સ્થિરતા આપી શકાય તેમ નથી.  

સ્વાભાવિક રીતે જ આરબીઆઇ આ પડકારને પહોંચી વળવા સતત સક્રિય છે. આ જ કારણસર રેપો દરને લાંબા સમયથી યથાવત્ રખાયો છે. આ અગાઉ છ વખત રેપો દરમાં વધારો કરીને મોંઘવારીને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો, પણ હાલે રેપો દર એટલો વધારે છે કે મકાન, વાહન અને વેપાર માટે લોન લેનારા મોટા વર્ગની ઉપર વ્યાજનો બોજો ઘણો વધુ છે. ઘણા દેશેમાં બેન્કોના વ્યાજના દર વધ્યા છે, જેને લીધે સિક્યુરિટીની બજારોમાં રોકાણ કરનારા આ દેશો તરફ વળી રહ્યા છે, પરંતુ આરબીઆઇ હવે વ્યાજના દર વધારી શકે તેમ નથી.  

વળી, ક્રૂડ તેલના ભાવોમાં સતત વધારા અને ઘટાડાનાં વલણને લીધે અનિશ્ચિતતાનું વાતાવરણ છે. આ કારણસર ઇંધણના ભાવોમાં ઘટાડો કરવાનું પગલું વિલંબમાં પડી રહ્યંy છે. ઇંધણની ઊંચી કિંમતોની સીધી અસર માલસામાનની હેરફેર અને ઉત્પાદનના ખર્ચ પર પડે છે.  છેલ્લા થોડા મહિનાથી દેશમાં જે ભાવો વધ્યા છે, તેને માત્ર વૈશ્વિક કારણોની દેન ગણી શકાય તેમ નથી. ઘર - આંગણે દૂધ, અનાજ, શાકભાજી અને ફળો જેવી રોજબરોજના વપરાશની વસ્તુઓની કિંમત સતત વધતી હોવાની અસર મોંઘવારી પર પડી છે.  

આ મોસમમાં શાકભાજીની આવક વધુ રહેતી હોવા છતાં તેના ભાવો સૌથી વધુ ઊંચકાયા છે. મોસમની અસર પણ સાનુકૂળ રહી છે.  માલસામાનની હેરફેરનો ખર્ચ વધ્યો છે, પણ આ કાંઇ આજકાલની વાત નથી રહી. આવામાં એવા ચોંકાવનારાં તથ્યો સામે આવી રહ્યાં છે કે કિસાને તેમની ખેતઉપજના જે ભાવ મળે છે, તેનાથી વધુ વપરાશકારો અને ગ્રાહકોને ચૂકવવા પડે છે, એટલે મોંઘવારીનાં કારણ વૈશ્વિક કે ઇંધણના ભાવો નથી, પણ વચેટિયાની નફાખોરી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી રહી છે.  

અર્થતંત્રમાં સ્થિરતા આણવા માટે મોંઘવારીને પાંચ ટકાના દર સુધી મર્યાદિત રાખવાનો આરબીઆઇનો મત બહુ જૂનો છે, પણ આ શક્ય બને તેમ જણાતું નથી. એકતરફ, વિકાસદર સાત ટકા રહેશે એવાં અનુમાન પ્રતીતિકારક જણાય છે, પણ તેનાં પ્રતિબિંબરૂપે લોકોની ખર્ચશક્તિ વધતી જણાતી નથી. આ માટે માથાંદીઠ આવક ઘટી રહી હોવાનું કારણ સામે આવી રહ્યંy છે.  

અર્થતંત્રના સર્વાંગી વિકાસનાં ચિત્રમાં માથાંદીઠ આવક વધવાનું પણ એટલું જ જરૂરી બની જાય છે. આ માટે રોજગારીની તકો વધારવાનું અનિવાર્ય હોય છે. અર્થતંત્રનાં આ ચક્રમાં નકારાત્મક બાબતો અંતરાયરૂપ બની રહી છે. ઔદ્યોગિક ક્ષેત્રનો દેખાવ નિરાશાજનક રહ્યો છે. આને લીધે રોજગારીની તકો ઘટી છે અને માથાંદીઠ આવક ઘટી છે. સરકારે વૈશ્વિક કારણો પર દોષનો ટોપલો ઢોળવાને બદલે ઘર - આંગણની કચાશ દૂર કરીને મોંઘવારીને કાબૂમાં લેવા પર ધ્યાન આપવાની જરૂરત છે.

ઇ-પેપરના નવા શુલ્ક