• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

કલ્યાણકારી યોજનાઓ સાથે અર્થતંત્રની ગતિ

દેશના 81.35 કરોડ નાગરિકોને પાંચ વર્ષ સુધી અનાજ વિનામૂલ્યે અપાશે તેવી વડાપ્રધાનની જાહેરાત પછી અનેક ચર્ચા શરૂ થઈ છે. અલબત્ત, જેઓ લાભાર્થી છે તેઓ રાજી જ થવાના. સમસંવેદનશીલ નાગરિકોને પણ આમાં સમાન વહેંચણીનો દૃષ્ટિકોણ દેખાયો છે પરંતુ કેટલાક લોકો દ્વારા ગેરસમજ પણ ફેલાવાઈ રહી છે કે દેશમાં શું આટલા બધા નાગરિક જરૂરતમંદ હશે? સરકારે લોકોના ભલાં માટે અમલી બનાવેલી યોજના માટે પણ આવી વાત થઈ રહી છે. એક તરફ અર્થતંત્ર સ્થિર અને ગુલાબી થઈ રહ્યું હોવાના સંકેત છે ત્યારે બીજી બાજુ આ પ્રકારની વાતો સરકારના ઉમદા ઈરાદા સામે પ્રશ્ન ઊભા કરે છે.

81 લાખથી વધારે લોકોને વિનામૂલ્યે અનાજ મળશે તેવું વચન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છત્તીસગઢની ચૂંટણીસભામાં આપ્યું હતું. તે પૂર્ણ થયું છે. યોજનાનો અમલ શરૂ થઈ રહ્યો  છે. આગામી પાંચ વર્ષ સુધી વિનામૂલ્યે અનાજ આપવાનું ચાલુ રહેશે. 2020માં કોરોના મહામારી દરમિયાન દેશના લોકોને રાહત આપવા માટે શરૂ થયેલી આ યોજના 31મી ડિસેમ્બરે પૂર્ણ થઈ રહી હતી. હવે 1 જાન્યુઆરી 2024થી તે ચાલુ જ રહેશે. સરકારને તેને લીધે 11.80 લાખ રૂપિયાનો વધારાનો ખર્ચ થવાનો અંદાજ છે. સરકારનો ઈરાદો શુભ છે પરંતુ આ યોજનાના લાભાર્થીઓની સંખ્યા ક્રમશ: ઓછી થાય તે દિશામાં પણ પગલાં લેવા જોઈએ.

અહીં એક ગેરસમજ કે પ્રશ્ન એ થાય છે કે શું દેશમાં આટલા બધા લોકો જરુરતમંદ છે કે જેમને મફત અનાજ આપવું પડે, જરૂરિયાતમંદ માટે જ યોજના હોય તો તેમના હિસ્સાનું અનાજ વધારી આપવું જોઈએ. કોરોના વખતે આ યોજનાનો અમલ શરૂ થયો હતો. હવે સ્થિતિ સારી છે છતાં યોજના લંબાવવામાં આવી છે. જો કે તેમાં લોકકલ્યાણનો હેતુ તો સરે જ છે. સમાજ કલ્યાણને અનુલક્ષીને અમલી થઈ હોય તેવી વિશ્વની આ સૌથી મોટી યોજના છે તેમાં પણ ઈનકાર થઈ શકે તેમ નથી. આ જ દિવસોમાં સરકારે પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાનને મંજૂરી આપી છે જેની અસર 11 કરોડની વસતીના વિકાસને થશે. કલ્યાણકારી યોજનાઓના અમલની સાથે જ દેશના અર્થતંત્રની ગાડી પાટે ચડી રહી છે તેટલું જ નહીં પરંતુ પૂરપાટ દોડવા પણ લાગી છે. ભારતીય શેર બજારે ચાર ટ્રિલીયન ડોલરનું વિક્રમી બજાર કેપિટલાઈઝેશન દર્શાવ્યું છે. ભારતનું શેરબજાર વિશ્વનું ચોથા ક્રમનું શેરબજાર બન્યું. 

2020ની કોરોનાની ગંભીર સ્થિતિ, તે પૂર્વે અને પછી વિવિધ પ્રાંતમાં થયેલાં વાવાઝોડાં કે આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલાં યુદ્ધો એવી કોઈ પણ ઘટનાઓ જેવા અનેક પડકારો વચ્ચે પણ આખરે વિશ્વની વિકસિત મહાસત્તાઓની સાથે આપણે ઊભા રહેવા લાગ્યા છીએ.

 

 

 

Budget 2024 LIVE