ભારતીય શેરબજારમાં બે દિવસમાં બે ઇતિહાસ રચાયા છે. પ્રથમ શેરબજારની કુલ મૂડીનો આંક 4 ટ્રિલીયન ડોલરના સ્તર ઉપર પહેલી વખત પહોંચ્યો. ઇન્ડિયા શાઇનીંગના નારા વચ્ચે આ અનોખી સિધ્ધિ છે. દ્વિતીય ઇતિહાસ પ્રાઇમરી માર્કેટ અર્થાત આઇપીઓના ક્ષેત્રમાં રચાયો. તાતા ટેકનોલોજીસનો શેર બુધવારથી સેકન્ડરી માર્કેટમાં આવ્યો. ખૂબ મોટું ગણાય એવું 168 ટકાનું વળતર રોકાણકારોને પ્રથમ દિવસે જ અપાવી દીધું. દુનિયાના મોટા અર્થતંત્રો ફુગાવો અને આર્થિક મંદીના સંજોગનો સામનો કરી રહ્યા છે. ભારતમાં બેમાંથી એકપણ પરેશાની નથી. અર્થતંત્ર ચળકી રહ્યું છે. શેરબજાર પરથી એનો સંકેત મળે છે. છૂટક રોકાણકારો, દેશના અને વિદેશના ફંડો બધા જ શેરબજારમાં બેશૂમાર નાણું ઠાલવી રહ્યા છે. ભારતીય શેરબજારની મૂડી (માર્કેટ કેપ) 4 ટ્રિલીયન ડોલરનું સિમાચિહન મેળવી ચૂકી છે. નિફ્ટી આંક 20 હજારને પાર થઇ ગયો છે, સેન્સેક્સ 67 હજાર સ્પર્શી
ગયો છે.
દુનિયાના વિકસિત દેશોમાં કટોકટીની પળો ચાલે છે. યુધ્ધનો માહોલ છે. રોજગારી છીનવાઇ રહી છે. અમેરિકામાં વ્યાજ કાપનો સમય આવતો જાય છે. સંજોગ કપરાં છે. ભારતીય શેરબજારોનો દેખાવ આવા વખતમાં ય જબરજસ્ત છે. શેરબજાર બેશક અર્થતંત્રના વિકાસની પારાશીશી નથી. પરંતુ ઇક્વિટી બજારોમાં ઠલવાતું અઢળક નાણું દેશ-વિદેશના રોકાણકારોને ભારતના અર્થતંત્ર ઉપર મજબૂત વિશ્વાસ પેદા કરે છે. ભારતીય અર્થતંત્ર 3.4 ટ્રિલીયન ડોલરના કદનું થઇ ગયું છે. 2027 સુધીમાં જપાનથી આગળ ચોથા નંબરે જશે. 2052માં 45 ટ્રિલીયન ડોલર થઇ જશે. 2024માં ભારતનો જીડીપી 11 ટકાને આંબે તેમ છે. ભારતને પોતાની ભૌગોલિક સ્થિતિનો લાભ છે. નાણાકિય સ્થિરતા છે. રૂપિયો ડોલર સામે સ્થિર થઇ ગયો છે. વિદેશી હૂંડિયામણની અનામત પર્યાપ્ત છે. લાંબા સમયથી પેટ્રોલિયમના ભાવ સ્થિર છે. સ્થાનિક માગ મોટી છે. માળખાકિય પ્રોજેક્ટસના કામકાજ જોરશોરથી ચાલે છે. ભારત તરફ દુનિયાભરનું ધ્યાન ખેંચાયું છે. વિદેશી રોકાણનો પ્રવાહ શેરબજારમાં વધતો જાય છે, એ બીજા અર્થતંત્રો કરતા ભારતમાં સલામતી હોવાનું પૂરવાર કરે છે. 2023માં નવી અનેક નવી કંપનીઓએ શેરબજારમાં નામાંકન કરાવ્યું છે, અનેક હજુ આવશે. નવી આવેલી કંપનીઓએ રોકાણકારોને પુષ્કળ કમાણી કરાવી દીધી છે. એ નાણું આખરે નાણાકીય સિસ્ટમમાં આવશે, વપરાશે. રોકડ રકમ ફરતી રહેશે તો અર્થતંત્ર આપોઆપ ધબકતું રહેશે. દરેક ભારતીયએ એનું ગર્વ લેવાનો સમય છે.