• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

આ કલંક તો દૂર કરવું જ રહ્યું

દલિતો પર અત્યાચાર સૌરાષ્ટ્રમાં કે દેશના અન્ય હિસ્સામાં પણ નવાઈની વાત નથી. વાતો આ મુદ્દે ઘણી થાય છે પરંતુ નક્કર પગલાં કેમ નથી લેવાતા તે સવાલ છે. તાજેતરમાં જ મોરબીમાં બનેલી ઘટના આ શૃંખલામાં થયેલો ઉમેરો છે. શા માટે માથાં શરમથી ઝૂકી નથી જતાં અને કેમ અત્યંત કડક કાયદાકીય કાર્યવાહી થતી નથી તે જ સવાલ અગત્યનો છે. મોરબી જેવા ઔદ્યોગિક રીતે, સામાજિક રીતે વિકસિત નગરમાં પણ જો આવું થતું હોય તો અંતરિયાળ વિસ્તારોમાં, ગામડાંઓમાં સ્થિતિ શું હશે તે સવાલ અસ્થાને નથી. જો કે આવા સવાલ મોટાભાગે કોઈને થતા નથી અને થાય તો જવાબ મળતા નથી. 

ગયા અઠવાડિયે મોરબીમાં બનેલી ઘટના લગભગ વિસરાઈ ગઈ છે. પોલીસ તરફથી જે કંઈ કાર્યવાહી થવાની હશે તે થશે પરંતુ અહીં પ્રશ્ન ફક્ત કાનૂનનો નથી. સામાજિક દૃષ્ટિએ આ ન થવું જોઈએ. મોરબીમાં રાણીબા ઈન્ડસ્ટ્રીઝ નામના ઉદ્યોગગૃહમાં એક કર્મચારીએ પોતાનો બાકી નીકળતો પગાર માગ્યો અને તેને પગારને બદલે મોઢાંમાં ચપ્પલ અપાયું અને ચાટવાનું કહેવાયું તેવા અખબારી અહેવાલ પ્રકાશિત થયા. આરોપીઓ સ્વાભાવિક રીતે નાસી ગયા હતા. જેની સાથે આ કૃત્ય થયું તે દલિત યુવક હતો. એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી થઈ. પ્રથમ તો પગારની માગણી એ કોઈ પ્રકારે અપરાધ નથી. એ બાબતે તો વિવાદ હોય તો તેનો ઉકેલ અન્ય રીતે આવી શકે. પગાર ન ચૂકવવો અને ચપ્પલ ચટાડવું તે બન્ને વચ્ચે મોટું અંતર છે અને કર્મચારી જો દલિત ન હોત તો આ અંતર કદાચ જળવાયું હોત.

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ચોટિલા સહિતના વિસ્તારમાં મંદિર પ્રવેશ પ્રતિબંધ સહિતના કિસ્સા બનતા રહે છે. અસ્પૃશ્યતા આજે પણ ત્યાં અસ્તિત્વ ધરાવે છે. કાયદો, ફક્ત કાયદો આવા બનાવ અટકાવી નહીં શકે. સામાજિક વાતાવરણ ઊભું કરવું પડશે. દલિતો માટેનો તિરસ્કાર દૂર કરવો પડશે. સમાજમાં પ્રભાવ અને પ્રભુત્વ ધરાવતા લોકોએ નેતૃત્વ લઇને આ સ્થિતિ સામે લડવું પડશે. 21મી સદીમાં, ચંદ્રયાનવાળા સમયમાં આ ન શોભે તેવી બાબત છે.

Budget 2024 LIVE