• શનિવાર, 27 જુલાઈ, 2024

... હર જાનકી કિંમત જાનતે હૈં...

દેશ-દુનિયાના કરોડો લોકો છેલ્લા 17 દિવસથી જે ઘડીની પ્રતીક્ષા કરી રહ્યા હતા તે છેવટે મંગળવારે આવી. ઉત્તરાખંડસ્થિત ચારધામ ઓલવેધર રોડ યોજનાના સિલક્યારામાં નિર્માણાધીન સુરંગમાં 12 નવેમ્બરે ફસાયેલા 41 શ્રમિકોના હેમખેમ પાછા ફરવાની.

જિંદગીનો એક જંગ સુરંગમાં ફસાયેલા શ્રમિકો લડી રહ્યા હતા અને બીજો સુરંગની બહાર દેશ-વિદેશથી આવેલા તમામ નિષ્ણાતો, જનપ્રતિનિધિ, શ્રમિકોના સ્વજનો ને સ્થાનિક ગ્રામીણ. જંગને મંઝિલ સુધી પહોંચાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે તમામ શક્તિ કામે લગાડી દીધી હતી તો આખો દેશ શ્રમિકોની કુશળતાની પ્રાર્થના કરી રહ્યો હતો.

તમામ અવરોધો પાર કરતાં લગભગ 400 કલાક ચાલેલા અભિયાનમાં છેવટે જિંદગીની જીત થઈ છે અને સુરંગમાં કેદ શ્રમિકોએ ખુલ્લી હવામાં જાણે નવજીવનનો શ્વાસ લીધો છે. ભારતમાતાના જયઘોષ અને આતશબાજી વચ્ચે 17 દિવસના સુરંગવાસ પછી ‘આઝાદ’ થયા હોય તેમ બહાર આવેલા શ્રમિકોના ચહેરા પર જે ખુશી હતી તેનું શબ્દોમાં વર્ણન કરી શકાય એમ નથી. જિંદગીનો જંગ શ્રમિકો જીત્યા અને એમની ‘મુક્તિ’ માટે દિવસ-રાત જહેમત કરનારા ‘રેસ્ક્યૂ ટીમ’ના સેવકોએ પણ સફળતાની ખુશીના શ્વાસ લીધા...

અશક્ય લાગે એવા જટિલ અભિયાનને સફળતા સુધી પહોંચાડવાની ખુશી હતી. વિશ્વમાં કદાચ આટલી વિકટ સફળતા મેળવનાર ભારત પ્રથમ છે.

12 નવેમ્બરે દિવાળીના દિવસે ભૂસ્ખલન થવાના કારણે આઠ રાજ્યોના 41 શ્રમિકો સુરંગમાં ફસાઈ ગયા હતા. સુરંગ દુર્ઘટના અને ત્યાર પછી ચાલેલું બચાવ અભિયાન ઐતિહાસિક છે. ભારત જીવન અને તેના મૂલ્યને લઈ સજાગ છે. વિદેશોમાં ફસાયેલા ભારતીય લોકોને હેમખેમ સ્વદેશ લાવવામાં આવે છે, પણ ભારતમાં સુરંગમાંથી શ્રમિકોને ઉગારવાની કામગીરી ભારે વિકટ હોવા છતાં પાર પડી છે. આપણે માટે એક એક ભારતીયનો જીવ કીમતી છે.

સુરંગમાં ફસાયેલા 41 હમવતન શ્રમિકો કોઈ વીર યોદ્ધાથી ઓછા નથી. જ્યારે અચાનક આવી કોઈ દુર્ઘટના થાય તો સંયમ અને મનોબળ ટકાવી રાખવું એ સૌથી મોટો પડકાર હોય છે. શ્રમિકોની પ્રશંસા થવી જોઈએ અને બચાવ કાર્યમાં રોકાયેલા તમામ શ્રમિકો અને નિષ્ણાતોની કામગીરી અને સેવાની વિશેષ નોંધ લેવી ઘટે. એમણે પહાડમાં પાઇપ લાઇન - જીવાદોરી જેવી બનાવી ખોરાક-પાણી અને અૉક્સિજન પૂરો પાડયો. મશીનની પાંખ તૂટી ત્યારે આપણા સ્વદેશી ખાણિયા સામાન્ય છીણી હથોડા લઈને કામે લાગ્યા. ઉંદર ડુંગર ખોદી શકે એવી વાયકાને સાર્થક-સિદ્ધ કરી બતાવી.

જો સુરંગ નિર્માણની દેખરેખ માટે નવા રેગ્યુલેટર કે નવા નિયમોની આવશ્યક્તા હોય તો તેમાં વિલંબ સ્વીકાર્ય નથી. સુરંગ યોજનાઓના વૈજ્ઞાનિકોને સાથે રાખવામાં જ બધી કંપનીઓની ભલાઈ છે. આજે બચાવ કાર્યમાં જે ખર્ચ કરવો પડે છે, તે સુરંગના સુરક્ષિત નિર્માણમાં પણ ખર્ચ કરી શકાય છે.

બચાવ કાર્યની દેખરેખ વડા પ્રધાન કાર્યાલયના અધિકારી કરી રહ્યા હતા અને ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત બચાવ કાર્યના સંપર્કમાં રહ્યા હતા. ભારતીયોની જિંદગીને સરકાર કેટલું મહત્ત્વ આપી રહી છે. 41 શ્રમિકો ફક્ત એક સંખ્યા નથી, પરંતુ આપણા સાહસ અને ગૌરવનો મહત્ત્વનો હિસ્સો છે.

સવાલ એ છે કે નગાધિરાજ હિમાલય અને વિકાસ કાર્યોની વચ્ચે સંતુલન કેવી રીતે રાખવામાં આવે? પરેશાની એ છે કે પહાડો પર માર્ગ ધસી જવાના, ભૂસ્ખલન અને બંધ તૂટવાની તમામ ઘટનાઓ બનવા છતાં પર્યાપ્ત જાગૃતિ, સાવધાની નથી. પરંતુ પર્વતીય વિસ્તારોમાં યોજનાઓના પ્રકરણમાં વધુ સતર્કતા, વિશેષતા અને સાવધાની રાખવી અનિવાર્ય હોય છે. હિમાલયની ગોદમાં યાત્રાધામો અને શહેરો તાજેતરમાં કુદરતી કોપનો ભોગ બન્યાં છે ત્યારે સિલક્યારા સુરંગ યોજના ભવિષ્યની યોજનાઓ માટે એક સબક જરૂર છે.

હિમાલયમાં રોડ-બાંધકામનાં વધતાં દબાણમાં પ્રકૃતિને ગંભીર નુકસાન પહોંચે છે એનું આ પરિણામ હોવાનું કહેવાય છે, પરંતુ વિજ્ઞાન એટલું આગળ વધી ચૂક્યું છે કે દરેક ચીજોનો તોડ નીકળી શકે છે. હા, કોઈપણ પરિયોજના પહેલાં તેની કુદરત કે પર્યાવરણ પર પડનારી અસરની સર્વાંગી તપાસ કરીને વૈજ્ઞાનિક રીતે જ આગળ વધવાની તકેદારી રાખવી જોઈએ. આ ઘટના એ બાબતની યાદ અપાવતી રહેશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક