• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

મેડિકલ માફિયા વિરુદ્ધ પતંજલિ

યોગગુરુ રામદેવ દ્વારા જ્યારથી આયુર્વેદ મુજબ ઔષધો, દવાઓ અને સ્વાસ્થ્ય-સૌંદર્ય પ્રસાધનોનું ઉત્પાદન શરૂ કરાયું ત્યારથી ડાબેરી રાજકીય પક્ષોએ સંસદમાં આક્ષેપબાજી શરૂ કરી હતી. મેડિકલ ઍસોસિયેશનની ફરિયાદ કે પતંજલિનો પ્રચાર ભ્રામક છે અને દાવા ખોટા છે ત્યારે સુપ્રીમ કોર્ટે ‘ભ્રામક પ્રચારસામે ચેતવણી આપી છે, ચુકાદો નથી આપ્યો. બાબા રામદેવે હવે મેડિકલ માફિયાઓને પડકાર ફેંક્યો છે અને પતંજલિની દવાઓ અસરકારક હોવાના પુરાવા આપવાની તૈયારી બતાવી છે.

બાબા રામદેવે આ સંદર્ભમાં સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે જો અમે ખોટા દાવા અને પ્રચાર કરતા હોઈએ તો અમને દંડ કરવામાં આવે. અમે ખોટું કર્યું હોય તો મોતની સજા માટે પણ તૈયાર છીએ. આ પહેલીવાર નથી કે બાબા રામદેવ તેની કંપની પતંજલિના વિવાદોમાં ઘેરાયેલા હોય. આ પહેલાં પણ પતંજલિ આયુર્વેદ અને તેનાં ઉત્પાદન ઉપર આક્ષેપો થયા છે અને વિવાદો જાગ્યા છે.

બાબા રામદેવે 2021ના મે મહિનામાં દાવો કર્યો હતો કે એલોપથી એક ‘બેવકૂફ વિજ્ઞાનછે. તેમણે કહ્યું હતું કે રેમડેસિવિર, ફેબિફ્લૂ જેવી દવાઓ અને ડ્રગ્સ કન્ટ્રોલર અૉફ ઇન્ડિયા દ્વારા અનુમોદિત અન્ય દવાઓ કોવિડ-19 રોગીઓના ઈલાજમાં નિષ્ફળ રહી છે. રામદેવે એમ પણ કહ્યું હતું કે જો એલોપથી બધી શક્તિશાળી અને ‘સર્વગુણ સંપન્નહોય તો ડૉક્ટરોએ બીમાર નહીં પડવું જોઈએ. આ પછી સુપ્રીમ કોર્ટે રામદેવ વિરુદ્ધ આકરી ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રામદેવે બીજી આધુનિક દવાઓ અને ઈલાજ પ્રણાલીઓની ટીકા નહીં કરવી જોઈએ.

હવે બાબા રામદેવ પોતાનાં પ્રોડક્ટો સામે અવારનવાર ચિંધાતી આંગળીથી તંગ આવી ગયેલા જણાય છે અને આરપારની લડાઈ લડવાનું નક્કી કરી લીધું છે. તેમણે દાવો કર્યો છે કે તેમની દવાઓ શોધ આધારિત છે અને તેઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ દર્દીઓની પરેડ કરાવવા તૈયાર છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે અમારી પાસે જ્ઞાન અને વિજ્ઞાનની દોલત છે. તેમણે આક્ષેપ કર્યો છે કે મેડિકલ માફિયાઓ આયુર્વેદ વિરુદ્ધ ખોટો પ્રચાર કરે છે. પતંજલિએ ક્યારે પણ ખોટો પ્રચાર નથી કર્યો. ઊલટાનું તે સ્વદેશી આંદોલનને વેગ આપી રહ્યું છે. બીમારીઓના નામે લોકોને ડરાવવામાં આવી રહ્યા છે. બાબાએ કહ્યું છે કે મને મારા રિસર્ચ સાથે હાજર થવાની મંજૂરી આપવામાં આવે. અમોને તક આપવામાં આવે કે અમે અમારા દર્દીઓ અને રિસર્ચના અહેવાલ સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રસ્તુત કરી શકીએ.

 

Budget 2024 LIVE