• શનિવાર, 27 જુલાઈ, 2024

આતંકવાદ મુક્ત 21મી સદીનું ભારત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાતની શરૂઆતમાં જ મુંબઈ હુમલાની 15મી વરસી પર આતંકવાદના ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા સાથે કહ્યું કે દેશ હુમલાના આઘાતમાંથી બહાર આવી ચૂક્યો છે એટલું જ નહીં, હવે ભારે જોમ-જોશ સાથે આતંકવાદને કચડી રહ્યો છે. 26 નવેમ્બરને આપણે ક્યારેય પણ નહીં ભૂલી શકીએ. આજના દિવસે સૌથી જઘન્ય આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ મુંબઈ સાથે આખા દેશને ધ્રુજાવી દીધો હતો. આ ભારતનું સામર્થ્ય છે કે આપણે હુમલાના આઘાતમાંથી બહાર આવ્યા છીએ.

ભારત માટે 26 નવેમ્બર વિશેષ છે. આ દિવસ જ્યાં આપણા બંધારણની પવિત્રતા અને ગરિમા અક્ષુણ્ણ રાખવાનો સંકલ્પ લેવાનો દિવસ છે, ત્યારે આ દિવસ ભારતને એની પણ યાદ અપાવે છે કે સુરક્ષા દળોએ કેટલી બહાદુરીથી પાકિસ્તાની આતંકવાદનો સામનો કર્યો હતો. આ દિવસ આતંકવાદ મુક્ત ભારત નિર્માણ માટે પણ સંકલ્પિત છે. આજની રાજકીય સ્થિતિમાં બંધારણની પ્રાસંગિકતા ખૂબ વધી ગઈ છે. બંધારણ રાષ્ટ્રને એકસૂત્રમાં પરોવી રાખવાની કડી છે. 2008માં 26 નવેમ્બરના દિવસે જ જ્યારે પાકિસ્તાનના આતંકવાદી જૂથ લશ્કર-એ-તોયબાના આતંવાદીઓએ  મુંબઈ પર હુમલો કર્યો તે ફક્ત આતંકવાદી હુમલો નહોતો, પરંતુ રાષ્ટ્રની અસ્મિતા પર હુમલો હતો. એક શાંતિપ્રિય બંધારણીય રાષ્ટ્રના આત્માને આઘાત પહોંચાડનારો હતો.

વિશ્વને ભારતની વાત સમજવામાં ઘણી વાર લાગી છે, જ્યારે તેઓ શિકાર બન્યા ત્યારે સમજમાં આવ્યું છે. વૈશ્વિક આતંકવાદના ખાતમા માટે આવશ્યક છે કે વિશ્વના બધા દેશ એક થઈને લડે. મોદી સરકારે આતંકવાદ વિરુદ્ધ આકરું વલણ અપનાવ્યું છે. સેનાએ જમ્મુ-કાશ્મીરમાં અૉપરેશન ક્લીનની શરૂઆત કરી છે. પાકિસ્તાનનાં આતંકવાદી જૂથોની કાર્યવાહી પર ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. આતંકવાદી ફન્ડિંગ પર પ્રહાર કર્યો છે. આ બધાનું પરિણામ છે કે આતંકવાદી હુમલામાં ઘટાડો થયો છે અને તે દક્ષિણ કાશ્મીર સુધી સીમિત રહી ગયો છે. યાદ રહે 26/11ના હુમલા દરમિયાન આપણી સુરક્ષામાં જ્યાં પણ ઊણપ દેખાઈ હતી તે મોદી સરકારે દૂર કરી છે.

જલદીથી ભારત-દક્ષિણ કાશ્મીરને પણ આતંકવાદથી મુક્ત કરી લેશે. દેશની અંદર આતંકવાદ પરસ્ત લોકો, જૂથો પર ઝીરો ટોલરન્સ સાથે આકરાં પગલાં લેવાની સાથે દેશની બહાર ભારતવિરોધી આતંકવાદ પ્રવૃત્તિમાં લિપ્ત લોકો અને જૂથો પર પણ આકરી કાર્યવાહી કરવાની જરૂર છે. જ્યાં સુધી આતંકવાદનો પૂરેપૂરો સફાયો નહીં થાય ત્યાં સુધી પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ બહાલ થવી મુશ્કેલ છે. ભારતે આતંકવાદને પ્રાયોજિત કરનારા દેશોને પણ આકરો સબક શીખવાડવા માટે તૈયાર રહેવું જોઈએ. જેને લઈ 26/11 જેવો હુમલો કરવાની કોઈ હિંમત કરે નહીં. 21મી સદીનું નવું ભારત આતંકવાદથી મુક્ત થવું જોઈએ.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક