• શનિવાર, 27 જુલાઈ, 2024

આશાનું કિરણ, કતારની જેલ સુધી

જેની રાહ જોવાતી હતી તે સમાચાર આખરે કતારથી આવ્યા. ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓની અરજી સ્વીકારી છે. કતારની કોર્ટ ટૂંક સમયમાં આ સુનાવણી હાથ ધરે તેવી સંભાવના ઉભી થઈ છે. ઈઝરાયલ માટે આ ભૂતપૂર્વ અધિકારીઓ જાસૂસી કરતા હોવાનો ગંભીર આક્ષેપ તેમના પર હતો. કતારની અદાલતે તેમને મૃત્યુદંડ-ફાંસીની સજા ફરમાવી હતી. ભારત સરકાર અને ભારતની પ્રજા માટે આ એક પ્રકારે ચિંતાજનક આંચકો હતો પરંતુ હવે આશા જાગી છે.

ભારત સરકારે થોડા દિવસો પહેલા આ સજા સામે અરજી દાખલ કરી દેતા હવે તેનો અભ્યાસ કરી કાર્યવાહી શરૂ કરાશે. ઓગસ્ટ 2023માં આ અધિકારીઓની ધરપકડ થઈ ત્યારે તેઓ કતારની એક કંપનીમાં કામ કરતા હતા. જાસૂસીની શંકા પ્રબળ બનતા તેમની સામે કાનૂની પંજો કસાયો હતો. છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો અવાજ જે બુલંદીથી સંભળાઈ રહ્યો છે તે જોતા આ અધિકારીઓની ધરપકડ અને થયેલી સજા ભારત સરકારની વિદેશ નીતિ સામે એક પડકાર છે. વિશ્વના અનેક દેશમાં સર્જાયેલી આંતરિક અને રાજકીય કટોકટીની વેળાએ આપણા નાગરિકોનું સફળ સ્થળાંતર સરકારે કર્યું. આ અધિકારીઓનો વિષય કપરો છે.

ચીન કે પાકિસ્તાન તો આપણી સાથે કોઈપણ સ્તરે જઈ શકે પરંતુ કતાર સાથે ભારતને મૈત્રીભર્યા સંબંધો છે. વેપારી લેવડ-દેવડ પણ નોંધપાત્ર છે છતાં આવું થયું. ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેનું યુદ્ધ આમાં નિમિત્ત બન્યું છે. એકસાથે આઠ પૂર્વ અધિકારીઓ વિરૂદ્ધ વિદેશમાં આટલો મોટો ગંભીર આરોપ મુકાયો હોય, મૃત્યુની સજા થઈ હોય તેવું નજીકના ભૂતકાળમાં નથી બન્યું. આ અધિકારીઓને તેમના પરિવાર સાથે સંપર્ક કરવા દેવાયો હતો. હવે વિદેશ મંત્રાલયે તેમની ફાંસીની સજાને પડકારતી અરજી કરી છે તેનો પણ સ્વીકાર કતારની કોર્ટે કર્યો છે.

કાયદાકીય સ્થિતિને ચકાસીને ભારત આ બાબતે આગળ વધી રહ્યું છે. વિદેશ મંત્રાલય તો તેની પોતાની ગતિ અને નિયમોને આધીન બધું કરે જ. ઉચ્ચ સ્તરેથી વડાપ્રધાનની કક્ષાએથી આ દિશામાં પ્રયાસ હાથ ધરાય, કતારના નેતાઓ સાથે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ સંવાદ કરે તો આખી વાતની અસર જ જુદી પડે. કતાર અને ભારત વચ્ચે સંબંધો વણસેલા કે કડવાશભર્યા નથી. આવા કિસ્સામાં સરકાર અને કાનૂની પ્રક્રિયા બંન્ને અગત્યના જ છે પરંતુ રાજકીય રીતે પણ તેને જોઈને આ કોયડો ઉકેલવાની નક્કર કોશિશ થવી જરૂરી છે.

અખાતી દેશોમાં અત્યારે ભારતની છબી અલગ છે, વધુ સુઘડ છે. આ સંબંધો સ્થાપવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સઘન પ્રયાસો કરી વિશિષ્ટ પ્રતિભા ઉભી કરી છે. એ પ્રતિભા અને સંબંધોને ઉપયોગ કરવાની આ ઘડી છે. ભારતની વિદેશનીતિ, મુત્સદ્દીગીરી, આંતરરાષ્ટ્રીય સ્તરે ઉદ્ભવેલી થોડી વિચિત્ર સ્થિતિમાં કેવી રીતે વર્તવું તેની કુનેહની અહીં કસોટી છે. દેશની સેનાની એક પાંખમાં પોતાના જીવનના વર્ષો આપનાર અધિકારીઓ માટે સરકાર આગળ કોઈ પ્રયાસ ન જ છોડે તે નક્કી છે. પ્રશ્ન પ્રયાસોની સાથે તેની રીત અને કૌશલ્યનો છે. તેના થકી જ સારું-સાચું પરિણામ મળશે.

ઇ-પેપરના નવા શુલ્ક