• સોમવાર, 20 માર્ચ, 2023

Breaking News

સાગરના પેટાળમાં ભારતનો સળવળાટ, ચીનને પડકાર

પાડોશી મહાસત્તા ચીનની સતત વધતી જતી ક્ષમતા સામે ભારત પણ તમામ રીતે સજ્જ થઈ રહ્યું છે. મહામારીનો દૌર વિત્યા પછીના આર્થિક પડકારો પણ છે ત્યારે આ બાબત ઘણી અગત્યની ગણાવી જોઈએ. કાશ્મિરઘાટીમાં થતા હુમલા, હવે શાંતિ સ્થપાઈ ગઈ છે તેવા દાવા એ બધું આપણને દેખાય અને સંભળાય છે. સર્જિકલ સ્ટ્રાઈક કે તેની સામે વિપક્ષો દ્વારા ઉઠતા સવાલની ચર્ચા પણ ચૂંટણીમંચથી લઈને લોકપ્રતિનિધિઓના સદનમાં થાય છે. રશિયા યુક્રેનના યુદ્ધની વિભિષિકા જોયા પછી પણ ચીન કે પાકિસ્તાન જેવા દેશના મનમાં શાંતિ વિશે વિચાર આવતો નથી. જો કે તે અલગ વિષય છે. મૂળ વાત છે ભારતની આધુનિક સજ્જતાની.

પશ્ચિમના દેશો તો ચીનની તાકાતને માપીને એક થઈ જ રહ્યા છે સાથે ભારતે પણ શત્રક્ષમતામાં ઉમેરણ શરૂ કર્યું છે. રફાલ જેવા યુદ્ધવિમાનો સેનાના સરંજામમાં સામેલ થયા બાદ હવે કેટલીક અત્યંત આધુનિક સબમરીન પણ સજ્જ થઈ રહી છે. સ્વાભાવિક રીતે જ આવી વાતોના ઢંઢેરા પીટવાના ન હોય. ગોવાના મઝગાંવ ડોકયાર્ડમાં ભારતીય નૌસેના માટે ત્રણ એઁટેક સબમરીનનું નિર્માણ થઈ રહ્યું છે. આ સબમરીનને એપીઆઈ એટલે કે એર ઈન્ડીપેન્ડન્ટ પ્રોપલ્સન ટેક્નોલોજીથી સજ્જ કરાઈ રહી છે. વાતાવરણના ઓક્સિજન વગર પણ સબમરીન આ ટેક્નોલોજી દ્વારા સંચાલિત થઈ શકે છે. સામાન્ય સબમરીન પણ આ ટેક્નોલોજીથી વધારે સક્ષમ બને છે.

ભારત ગોવામાં જે સબમરીનનું નિર્માણ કરી રહ્યું છે તેનું નામ કલવરી ક્લાસ છે. ભારતીય નૌસેનાની ક્ષમતા આ સબમરીનથી અનેકગણી વધી જશે. ચીન પાસે તો સબમરીનની સંખ્યા સિત્તેર આસપાસ છે. ભારત પણ હવે તેનો સામનો કરવાની ક્ષમતા કેળવી રહ્યું છે. આપણો દેખીતો દુશ્મન ભલે પાકિસ્તાન લાગે પરંતુ ચીનનો સામનો કરવાનું વધારે અઘરું કામ છે. યુદ્ધ કોઈ સ્થિતિનો ઉકેલ નથી અને યુદ્ધ ટાળવું જોઈએ તે આદર્શનું જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી પાલન કરવું જોઈએ પરંતુ આજની સ્થિતિએ તે કોઈ દેશ માટે શક્ય નથી. ક્યારેય પહેલું આક્રમણ કરવું નહીં તે ભારતના સંસ્કાર છે પરંતુ સામેથી હુમલો થાય ત્યારે પ્રતિકાર માટે તૈયાર જ રહેવું પડે. છેલ્લા આઠ વર્ષમાં ભારતીય સેનાની ક્ષમતા અને ટેક્નોલોજીમાં ધરખમ વધારો થયો છે. નવી સબમરીન પણ તે પ્રક્રિયાનો હિસ્સો છે. રાષ્ટ્ર સ્વતંત્ર થયું ત્યારે પણ યુદ્ધની સ્થિતિ હતી. તે પછી પાકિસ્તાન સામે પ્રત્યક્ષ-પરોક્ષ યુદ્ધ સમયાંતરે થયાં. ચીનની દગાખોરીનો અનુભવ 1962માં થયો. તે પછી પણ ચીન ભરોસાપાત્ર આજેય નથી. આ સંજોગોમાં આવી તૈયારીઓ અનિવાર્ય છે.