નાગપુર
(મહારાષ્ટ્ર)માં મુગલ શાસક ઔરંગઝેબની કબર મામલે કોમી તનાવ અને હિંસાના પ્રત્યાઘાત ગંભીર
પડયા છે, ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રવક્તાનું નિવેદન સમયોચિત અને વૈમનસ્ય
શાંત કરનારું જણાય છે. સંઘના પ્રવક્તા સુનીલ આંબેકરે એક પ્રશ્નના ઉત્તરમાં સ્પષ્ટ કહ્યું
કે, ઔરંગઝેબ આજે પ્રાસંગિક નથી અને હિંસા સમાજ માટે યોગ્ય નથી.
સુનીલ
આંબેકરની વાત પર સૌએ મંથન કરવાની જરૂર છે. સત્તરમી સદીના આક્રાંતા ઔરંગઝેબના શાસનકાળના
ધર્મઝનૂની કામોનો હિસાબકિતાબ સાતસો-આઠસો વર્ષ પછી કરવાનો કોઇ અર્થ ખરો ? જમાનો આજે
બદલાઇ ગયો છે... ભારત સર્વધર્મ સમભાવમાં માનનારો દેશ છે. તેની બિનસાંપ્રદાયિક છબીને
લીધે દેશમાં અનેક સંસ્કૃતિ વિકસી છે. નાની-મોટી તકરાર કે વિવાદ છતાં આજે દેશમાં શાંતિ
અને સુમેળતાને આંચ નથી આવી. સમયાંતરે કોમી લાગણી ઉશ્કેરતા ઊંબાડિયાના પ્રયાસ થતા રહે
છે, જેને સમજદાર લોકો ખુદ અવગણે છે. પવિત્ર રમજાન માસની ઇબાદતને હિન્દુ ધર્મીઓ માન
આપે છે અને હિન્દુ ધર્મના તહેવારો વખતે મુસ્લિમ ભાઇઓ સદ્ભાવ દાખવે છે... આ જ તો ખૂબી
છે આપણા હિન્દુસ્તાનની. કોમી અશાંતિ હંમેશાં દાવાનળની જેમ સમાજની સારપને સળગાવી દે
છે. એટલે જ આવી બાબતોને વહેલી તકે શાંત કરવાની જરૂર છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી
યોગી આદિત્યનાથે કહ્યું છે કે, આક્રાંતાઓનું ઉપરાણુ કરવાની ચેષ્ટા રાષ્ટ્રદ્રોહ સમાન
છે. ઇ.સ. 1658થી 1707 સુધી ભારત પર રાજ કરનાર છઠ્ઠા મુગલ શાસક ઔરંગઝેબે બિનમુસ્લિમો
પર જજિયાવેરો લાદ્યો હતો... મંદિરો નષ્ટ થયાં... એ બધું ઇતિહાસમાં ધરબાઇ ગયું છે. હવે
આવી કોઈ બાબત ખોતરવાની ચેષ્ટાથી દેશને, પ્રદેશને ફાયદો કંઇ જ નહીં થાય, બલ્કે વિકાસપ્રક્રિયાને
ધક્કો લાગવાની ભીતિ છે. સોશિયલ મીડિયામાં થતી એલફેલ ચર્ચાને પણ સૌએ અવગણવી જોઇએ. આપણો
ઇતિહાસ ગંગા-જમની તહેઝીબનો છે, જેમાં ઔરંગઝેબ અને ચંગેઝખાન છે, તો સુધારાવાદી બાદશાહ
અકબરે છે. એ જ અરસામાં ગુરુ ગોવિંદસિંહની બહાદૂરી અને રાષ્ટ્રનિષ્ઠા તેમજ છત્રપતિ શિવાજી
અને મહારાણા પ્રતાપના શૌર્યને લીધે ભારતની સંસ્કૃતિ અને અસ્મિતા આજે પણ અખંડ છે. સ્વાધિનતા
સંગ્રામ વખતે અંગ્રેજો સામે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ સૌકોઇ એકસંપ અને લક્ષ્ય સાથે
લડયા હતા.
સંઘના
પ્રવક્તાના બયાનનો મર્મ એ છે કે, ઔરંગઝેબ મામલે લાગણીઓ ઉશ્કેરવાની જરૂર નથી. આ શીખ
સર્વથા યોગ્ય અને સંઘની પ્રબળ રાષ્ટ્રભાવનાને અનુરૂપ છે. અહીં એ નોંધનીય છે કે, ગયા
ડિસેમ્બરમાં નવી-નવી જગ્યાએ મંદિરોના દાવા, મંદિર-મસ્જિદ વિવાદ ફૂટી નીકળતા હતા, ત્યારે
સરસંઘચાલક મોહન ભાગવતે તે બંધ કરવા હાકલ કરી હતી અને જણાવ્યું હતું કે, આવી અનુમતિ
આપી ન શકાય. ભારતે એ બતાવી આપવાની જરૂર છે કે, આપણે એકસાથે રહી શકીએ છીએ. દુનિયાને
સદ્ભાવના આપવાનું દૃષ્ટાંત બનવાની જરૂર છે. મોહન ભાગવતજીએ ત્યાં સુધી કહ્યું હતું કે,
આવા ઝઘડા ઊભા કરવા પાછ નેતા બનવાની હોડ એક કારણ છે. ટૂંકમાં ઔરંગઝેબનો મામલો વેળાસર
ધરબી દેવાની જરૂર છે હંમેશને માટે. એમાં જ સમાજનું અને સૌનું ભલું છે.