• શનિવાર, 20 એપ્રિલ, 2024

તુવેર સહિત ખરીફ પાકોના ટેકાના ભાવ વધ્યા

કેબિનેટ બેઠકમાં મંજૂરી : તુવેરદાળમાં પ્રતિ ક્વિંટલ 400, અડદમાં 350નો વધારો : ધાનના ભાવમાં પણ 143 રૂપિયા વધારો કરાયો

નવી દિલ્હી, તા. 7 : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બુધવારે અડદ, તુવેર સહિત ખરીફ પાકોના લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) વધારવાને મંજૂરી આપી દીધી હતી. મગની દાળના ટેકાના ભાવમાં સૌથી વધુ 10 ટકાનો વધારો કરાયો છે.

કેન્દ્રીય પ્રધાન મંડળ (કેબિનેટ)ની આજે યોજાયેલી બેઠકમાં દેશના કિસાનોને  રાહત આપતા લેવાયેલા મહત્ત્વના નિર્ણય હેઠળ તુવેર દાળના ટેકાના ભાવ પ્રતિ ક્વિંટલ 400 રૂપિયા અને અડદદાળના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિંટલ 350 રૂપિયાનો વધારો મંજૂર કરાયો છે.

આ વધારા સાથે તુવેરની દાળના ટેકાના ભાવ વધીને સાત હજાર રૂપિયા પ્રતિ ક્વિંટલ તેમજ  અડદદાળના પ્રતિ ક્વિંટલ  6950 રૂપિયા થઇ ગયા છે.

ધાનના ટેકાના ભાવ પ્રતિ ક્વિંટલ 2040 રૂપિયામાંથી 143 રૂપિયા વધારીને 2183 રૂપિયા કરી દેવાયા છે. તો ગ્રેડ-એના ધાન માટે પણ 143 રૂપિયા વધારીને પ્રતિ ક્વિંટલ 2060માંથી 2203 રૂપિયા કરી દેવાયા છે.

વર્ષ 2023-24ની મોસમ માટે ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો 2018-19ના કેન્દ્રીય બજેટના અખિલ ભારતીય સરેરાશ ઉત્પાદન ખર્ચથી કમસેકમ દોઢ ગણાના સ્તરે ટેકાના ભાવ નક્કી કરવાની ઘોષણાને અનુરૂપ છે.

મતલબ કે સરકારનું કહેવું છે કે આ પગલું લઇને 2018-19ના બજેટમાં કરાયેલી ઘોષણા મુજબ કિસાનોને અપાયેલું વચન પૂરું કરાયું છે.

બાજરો (82 ટકા) બાદ તુવેર (58 ટકા), સોયાબીન (52 ટકા) અને અડદ (51) ટકાના મામલામાં કિસાનોને તેમના ઉત્પાદન ખર્ચ પર અપેક્ષિત નફાનો ગાળો સૌથી વધુ હોવાનું અનુમાન છે.

બાકીના પાકો પર ખેડૂતોને તેમના ઉત્પાદન ખર્ચ પર નફાનો ગાળો કમસેકમ 50 ટકા જેટલો હોવાનું અનુમાન છે.

આજનાં પગલાંને મોદી સરકારે ખેડૂતોની આવક વધારવા માટે કરાતા પ્રયાસોની દિશામાં એક નક્કર પગલું ગણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સરકારે તુવેર, અડદ અને મસૂર એ ત્રણેય દાળો માટે પાક વર્ષ 2023-24માં ટેકાના ભાવની યોજના હેઠળ 40 ટકા ખરીદીની સીમા વટાવી દીધી છે. આ પગલું ઘરેલુ ઉત્પાદન વધારવા માટે લેવાયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક