દ્વારકા-પોરબંદર જિલ્લામાં ખેડૂતો ચિંતિત : સુલતાનપુરમાં ટ્રેક્ટર-ટ્રકોની લાંબી લાઈનો : તળાજા પંથકમાં ખેડૂતો વહેલી સવારથી કતારમાં રહેવા મજબૂર
રાજકોટ,
તા.23 : સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતો અને વાહનચાલકો
મુશ્કેલીમાં મુકાયા છે. ખેતીની સીઝન વચ્ચે પેટ્રોલ પંપો પર ટ્રેક્ટર અને અન્ય વાહનોની
લાંબી કતારો લાગી રહી છે. મર્યાદિત ડીઝલ વિતરણના કારણે ખેતીકામ, પરિવહન અને રાજિંદા
કાર્યો પ્રભાવિત બન્યા છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક પૂરતો ડીઝલ પુરવઠો સુનિશ્ચિત કરવાની
માંગ ઉઠી છે.
ગોંડલના
સુલતાનપુરમાં ડીઝલની અછતને કારણે પેટ્રોલ પંપ પર ટ્રેક્ટર, ટ્રક અને અન્ય વાહનોની લાંબી
કતારો લાગી રહી છે. ખેડૂતો અને વાહનચાલકોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. ખેતી અને
પરિવહનના કામો પ્રભાવિત થતા સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક પૂરતો ડીઝલ પુરવઠો શરૂ
કરવાની માગ કરી છે.
ઉપલેટા
તાલુકાના ઢાંક પંથકમાં ડીઝલની અછતને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસાની
ખેતીની સીઝન વચ્ચે પેટ્રોલ પંપો પર ટ્રેક્ટર અને વાહનોની લાંબી લાઈનો લાગી રહી છે.
દરેક વાહનને મર્યાદિત ડીઝલ અપાતાં ખેડૂતોને કલાકો સુધી રાહ જોવી પડે છે. ખેતી અને માલસામાનની
હેરફેરના કામો પર અસર પડી રહી છે. ખેડૂતે તાત્કાલિક પૂરતો ડીઝલ પુરવઠો કરવાની માંગ
ઉઠાવી છે.
દેવભૂમિ
દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં ડીઝલની ભારે અછત
સર્જાતા ખેડૂતો પરેશાન બન્યા છે. હાલ ખેતીની સીઝન પૂરજોશમાં ચાલી રહી હોવાથી ખેડૂતોને
ટ્રેક્ટર અને ખેતીના સાધનો માટે ડીઝલની તાતી જરૂર છે. ખેડૂતો સવારથી જ પેટ્રોલપંપો
પર લાંબી કતારોમાં ઉભા રહી ડીઝલ માટે ચક્કર કાપી રહ્યા છે. સરકારી જાહેરાત મુજબ
200 લીટર ડીઝલ મળવાનું કહેવાય છે, પરંતુ પંપો પર માત્ર મર્યાદિત જથ્થો આપવામાં આવી
રહ્યો હોવાના આક્ષેપ થયા છે. ભાડથર પંપ પર ડીઝલ આવતાં જ દોઢ કિલોમીટર લાંબી લાઈન લાગી
હતી, જેના કારણે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.
પોરબંદર
જિલ્લામાં ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતો અને સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગી રહી છે અને લોકોને કલાકો સુધી રાહ જોવી પડી
રહી છે. તાલુકા ભાજપ પ્રમુખ રાણા મોઢવાડિયાએ સરકારને રજૂઆત કરી તાત્કાલિક પુરવઠો સુધારવાની
માંગ કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે ચોમાસું નજીક હોવાથી ખેતીકામ માટે હજારો ટ્રેક્ટરો
કાર્યરત છે. ઉપરાંત ‘બરડા ઘેડ પ્રોજેક્ટ’ અને ‘સુજલામ સુફલામ યોજના’ હેઠળ મોટી સંખ્યામાં
મશીનો ચાલતા હોવાથી ડીઝલની માંગ વધી ગઈ છે. વેકેશનના કારણે પ્રવાસી વાહનોની અવરજવર
પણ વધી છે. તેમણે બિનજરૂરી સંગ્રહખોરી રોકવા, જરૂરિયાત મુજબ જ ડીઝલ વિતરણ કરવા અને
ગેરકાયદેસર ખોદકામ પર નિયંત્રણ લાવવાની માગ કરી છે.
ભાવનગર
જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પેટ્રોલ-ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
છે. તળાજા પંથકમાં ખેડૂતો વહેલી સવારથી પેટ્રોલ પંપો પર લાંબી કતારોમાં ઉભા રહી ડીઝલ
મેળવવા મથામણ કરી રહ્યા છે. ખેતીકામ પ્રભાવિત થતાં ગ્રામ્ય વિસ્તારોમાં રોષ ફેલાયો
છે.