બંગાળના કૂચબિહારના સરહદી વિસ્તારમાં વાડ લગાડવાની કામગીરી સમયે બંગલાદેશી સેનાએ વાંધો ઉઠાવ્યો : બીએસએફના કામમાં ખલેલ પહોંડતા ઉચ્ચ અધિકારીઓને સૂચિત કરાયા : બન્ને પક્ષે શાંતિ બહાલ કરવા ફલેગ મિટિંગ યોજી
નવી
દિલ્હી, તા. 23 : પશ્ચિમ બંગાળમાં સરકાર બદલ્યા
બાદ હવે ભારત-બંગલાદેશ સરહદે વાડ લગાડવાનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન બંગાળના
કૂચબિહારના મેખલીગંજ સરહદ પાસે તણાવ વધી ગયો હતો. વિસ્તારમાં ત્રણ વીઘા કોરિડોર નજીક
આંતરરાષ્ટ્રીય સરહદના હિસ્સામાં વાડ લગાડવાના કામ દરમિયાન બીએસએફ અને બંગલાદેશી બોર્ડર
ગાર્ડસ આમનેસામને આવી ગયા હતા. બંગલાદેશ બોર્ડર ગાર્ડસ તરફથી વાડનો વિરોધ કરવામાં આવ્યો
હતો. જો કે બીએસએફએ સંયમ બતાવીને મોટું ઘર્ષણ થવાથી ટાળ્યું હતું.બાદમાં બન્ને પક્ષ
તરફથી ફલેગ મિટિંગ યોજીને શાંતિ બહાલ કરવાની કોશિશ કરવામાં આવી હતી. જો કે બંગલાદેશ
સાથે સંબંધો પહેલાથી જ સંવેદનશીલ બનેલા છે તેવામાં સરહદે ઉભી થયેલી સ્થિતિ ચિંતા પેદા
કરી રહી છે.
રિપોર્ટ
અનુસાર બંગલાદેશ બોર્ડર ગાર્ડના વાંધા અને સ્થાનિક લોકોના એક વર્ગ તરફથી બંગલાદેશી
પક્ષના વિરોધ કારણે બીએસએફના જમીન માપવાના કામાં ખલેલ પહોંચી હતી. આ બનાવ પિલર નંબર 806એ બન્યો હતો. આ ટકરાવની જાણકારી
બીએસએફના વરિષ્ઠ અધિકારીઓને પણ પહોંચાડવામાં આવી હતી. બીએસએફ અને બીજીબી વચ્ચે સ્થિતિ
તણાવપુર્ણ બની હોવા અંગે ઉચ્ચ અધિકારીઓની સાથે ભાજપ વિધાયકો અને સાંસદો સહિત રાજનીતિક
પ્રતિનિધિઓને સુચિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શનિવારે બીએસએફના અધિકારીઓની હાજરીમાં
બે અલગ અલગ ફલેગ મીટિંગ આયોજીત કરવામાં આવી હતી.
બન્ને
તરફથી થયેલી ફલેગ મિટિંગ્સમાં એકમાં બીજીબી અને બીજીમાં સ્થાનિક ગ્રામીણ અને ભાજપ પ્રતિનિધિઓ
સામેલ થયા હતા. જેના મારફતે મામલાને થાળે પાડવાની કોશિશ થઈ હતી. ફલેગ મીટિંગમાં ભારતીય
નિવાસીઓના એક વર્ગે સ્પષ્ટ કરી દીધું હતું
કે વાડ લગાડવાના કામમાં કોઈપણ પ્રકારની ખલેલ સહન કરવામાં આવશે નહી. આ ઉપરાંત ચેતવણી
પણ આપી હતી કે બંગલાદેશી પક્ષના દબાણને સ્વીકારવામાં આવશે નહી અને ભારતના હિત સાથે
કોઈપણ પ્રકારની સમજૂતી થશે નહી.
સ્થાનિક
લોકોનો આરોપ છે કે સરહદી વિસ્તારમાં વાડ ન હોવાથી પશુઓની તસ્કરી, માનવ તસ્કરી અને અવૈધ
ઘુસણખોરીની ઘટનાઓ વધી છે અને સુરક્ષા ચિંતા પેદા થઈ છે. જો કે આ મામલે હજી સુધી સરકાર
તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું ન હતું. વર્તમાન સમયે સ્થિતિ નિયંત્રણમાં હોવાનું
કહેવાઇ રહ્યું છે.