• બુધવાર, 13 મે, 2026

વાતાવરણમાં પલટો : રાજકોટ, અમરેલી પંથકમાં માવઠું

ઉપલેટા પંથકમાં બે અને ગોંડલમાં અડધો ઇંચ કમોસમી વરસાદ, અન્યત્ર ઝાપટા વરસતા રસ્તા પર પાણી વહેતા થયા

કમોસમી વરસાદથી કેરી, મગફળી, સફેદ તલ, મગ, અડદ સહિતના ઉનાળુ પાકને નુકસાનની ભીતિ

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા. 5: કાળઝાળ ગરમીની વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવતા સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ (માવઠું) ખાબક્યો છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથક સહિત અમરેલીના ગિર પંથકમાં તોફાની પવન સાથે વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જો કે ભર ઉનાળે આવેલા આ માવઠાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. રાજકોટ શહેરમાં આજે બપોર બાદ અચાનક આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા.

અમરેલી :  જિલ્લામાં આજે અચાનક જ વાતાવરણ પલટાયું હતું અને આકાશમાં વાદળછાયું વાતાવરણ થઈ જતાં ગિર કાંઠાના વિસ્તારોમાં આગાહી મુજબ કમોસમી વરસાદ વરસ્યો છે. ખાંભાના ગિર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડતાં વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે અને કેરીનાં પાકમાં નુકસાનની ચિંતા વધી છે.

ધારી : શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કુબડા, ગાવિંદપુર, ખીચા, દલખાણિયામાં ધોધમાર માવઠું  પડયું હતું. ધરતી પુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહયો છે.

ગોંડલ : માવઠાંની આગાહી વચ્ચે ગોંડલમાં ભર બપોરે વરસાદી માહોલ સર્જાયો હતો. હળવા ઝાપટા વરસ્યા હતાં. જ્યારે તાલુકાનાં દાળીયા, કોલીથડ, અનિડા, ડૈયા, ઉમવાડા વિસ્તારમાં ભારે પવન ફુંકાવાની સાથે ઝાપટાથી લઈ અડધો ઇંચ વરસાદ પડયો છે. ભારે પવન ફુંકાતા અનીડા વેજાગામ વચ્ચે વૃક્ષની તાતિંગ ડાળીયો રોડ પર ધરાશઇ થતા માર્ગ અવરોધાયો હતો. લુણીવાવના પાટિયા પાસે વૃક્ષ ધરાશઇ થયા હતાં.

જેતપુર : પંથકમાં સવારથી અસહ્ય તાપ વચ્ચે બપોર બાદ વાતાવરણ બદલ્યું હતું, કાળા ડિબાંગ વાદળો એકાએક ઘેરાઈ ગયા અને પંથકના અમુક ગામમાં કમોસમી વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, પરંતુ ઉનાળુ પાકનું વાવેતર કરેલા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ હતી.

જામકંડોરણા : સાંજના સમયે પવન સાથે કમોસમી વરસાદ પડયો હતો. તાલુકાના સાતોદડ, ચરેલ, ધોળીધાર, બોરીયા, જશાપર સહિતના ગામોમાં પણ પવન સાથે કમોસમી વરસાદ પડયો હતો. આ કમોસમી વરસાદના લીધે ખેતીના ઉનાળુ પાકો જેવા કે તલ, મગ, અડદમા નુકસાનીની ખેડૂતોમાં ભિતી છે

ઉપલેટા : આજે સાંજે ઉપલેટા તાલુકાના ખીરસરા ગામમાં ધોધમાર દોઢથી બે ઇંચ જેટલો કમોસમી વરસાદ થતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને નદી નાળામાં પાણી વહેતા થઈ ગયા હતા.

ઉના : ઉનાળાના આકરા તાપ વચ્ચે ગિરની પ્રકૃતિએ આજે અચાનક કરવટ બદલી હતી. શ્યામના ધામ તુલસીશ્યામ અને આસપાસના ગિરના જંગલોમાં પડેલા કમોસમી વરસાદે પ્રકૃતિપ્રેમીઓને ભલે આનંદિત કર્યા હોય, પરંતુ ખેડૂતોના જીવ તાળવે ચોટયા છે. અડધા કલાકનું આ માવઠું બાગાયતી ખેડૂતો માટે આફત બનીને ત્રાટક્યું હોય તેમ કેસર કેરીના પાક પર મોટું જોખમ ઊભું થયું છે. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક