સબરીમાલા કેસની સુનાવણી દરમ્યાન જાહેર હિતની અરજીઓ મામલે નારાજગી: સુપ્રીમે પૂછ્યું, શું તમે દેશનાં મુખ્ય પૂજારી છો ?
નવીદિલ્હી,
તા.પ : ધર્મસ્થાનોમાં મહિલાઓનાં પ્રવેશ મુદ્દે સુનાવણી દરમિયાન આજે સુપ્રીમ કોર્ટે
આકરું વલણ અખત્યાર કર્યું હતું. કોર્ટે સબરીમાલા વિવાદમાં અરજી દાખલ કરનાર ઇન્ડિયન
યંગ લોયર્સ એસોસિયેશનને કઠોર ફટકાર લગાવતા 2006માં દાખલ જનહિત અરજીને કાનૂની પ્રક્રિયાનો
દુરુપયોગ ગણાવીને વેધક સવાલ કર્યો હતો કે તમે આ અરજી શા માટે દાખલ કરી હતી ? શું તમે
દેશનાં મુખ્ય પૂજારી છો ? પીઆઈએલ (જાહેર હિતની અરજી)ના વધતાં ચલણ સામે નારાજગી વ્યક્ત
કરતાં કહ્યું હતું કે પીઆઈએલ હવે ‘પૈસા ઈન્ટરેસ્ટ લિટિગેશન’ બની ગઈ છે.
કોર્ટે
કહ્યું કે પીઆઈએલ કાયદાની પ્રક્રિયાનો ખોટો ઉપયોગ છે અને એસોસીએશને આવી જાહેર હિતની
અરજીઓ કરવાને બદલે પોતાના યુવા સભ્યોની ભલાઈ માટે કામ કરવું જોઈએ. અદાલતે કહ્યું કે
પીઆઈએલ હવે પ્રાઈવેટ ઈન્ટરેસ્ટ અને પબ્લિસ્ટી ઈન્ટરેસ્ટ અને પૈસા ઈન્ટરેસ્ટ તેમજ પોલિટિકલ
ઈન્ટરેસ્ટ લિટિગેશન બનીને રહી ગઈ છે.
આ
ટિપ્પણી નવ ન્યાયાધીશો ધરાવતી બંધારણીય પીઠે કરી હતી. આ પીઠની અધ્યક્ષતા ભારતના મુખ્ય
ન્યાયાધીશ (સીજેઆઈ) સૂર્યકાંત કરી રહ્યા છે. પીઠમાં જસ્ટિસ બી.વી. નાગરત્ના, એમ.એમ.
સુંદરેશ, અહસાનુદ્દીન અમાનુલ્લાહ, અરાવિંદ કુમાર, ઓગસ્ટિન જ્યોર્જ મસીહ, પ્રસન્ના બી.
વરાલે, આર. મહાદેવન અને જોયમાલ્યા બાગચી સામેલ છે.
સુનાવણી
દરમિયાન અદાલતે અરજદાર સંસ્થાની મંશા અને અધિકાર પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. જસ્ટિસ
નાગરત્નાએ કહ્યું કે કોઈપણ કાનૂની સંસ્થા વ્યક્તિગત આસ્થાનો દાવો કરી શકતી નથી. તેમણે
જણાવ્યું કે વિશ્વાસ વ્યક્તિનો વિષય હોય છે, સંસ્થાનો નહીં. તમારી પાસે કોઈ અંતરાત્મા
નથી. જસ્ટિસ અરાવિંદ કુમારે પણ સંસ્થાને પૂછ્યું હતું કે, શું અરજી દાખલ કરવા માટે
કોઈ ઔપચારિક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને શું સંસ્થાના અધ્યક્ષે તેને મંજૂરી આપી
હતી ? સીજેઆઇ સૂર્યકાંતે તો વધુ કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે આવી અરજીઓ દાખલ કરવાના
બદલે સંસ્થાએ બાર અને યુવા વકીલોના હિતમાં કામ કરવું જોઈએ. જસ્ટિસ નાગરત્નાએ પણ જણાવ્યું
કે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા પ્રતિભાશાળી યુવા વકીલોને સહાય આપવી અને તેમના માટે
તકો ઉભી કરવી વધુ મહત્ત્વપૂર્ણ છે.