• બુધવાર, 13 મે, 2026

UAEનાં ઓઈલ ક્ષેત્રમાં ઈરાનનો હુમલો, ત્રણ ભારતીય ઘાયલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલયે આવા હુમલાને ગણાવ્યા અસ્વીકાર્ય

નવી દિલ્હી, તા.પ: સંયુક્ત આરબ અમીરાત(યુએઈ)નાં ફુજૈરાહ ઓઈલ ઔદ્યોગિક વિસ્તારમાં ઈરાન તરફથી કરવામાં આવેલા જોરદાર હુમલાઓમાં ત્રણ ભારતીય નાગરિક ઘાયલ થયા છે. આ ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલયે હુમલાઓની આકરી નિંદા કરી છે અને તેને અસ્વીકાર્ય ગણાવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો તનાવ ચરમસીમાએ છે ત્યારે આ હુમલાએ તંગદિલી વધારી નાખી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટમાં લખ્યું હતું કે,  અમે સંયુક્ત આરબ અમીરાત પર થયેલા હુમલાની કડક નિંદા કરીએ છીએ. આમાં ત્રણ ભારતીય નાગરિકો ઘાયલ થયા છે. નાગરિકો અને આધારભૂત માળખાને નિશાન બનાવવા અસ્વીકાર્ય છે. ભારત યુએઈ સાથે સંપૂર્ણ એકતા દર્શાવે છે અને સંવાદ તથા કૂટનીતિ દ્વારા તમામ મુદ્દાઓના શાંતિપૂર્ણ ઉકેલ માટે પોતાનું સમર્થન પુન:દોહરાવે છે. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું કે હોર્મુઝ જળમાર્ગમાંથી સુરક્ષિત અને અવરોધમુક્ત અવરજવર સુનિશ્ચિત કરવી પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને વૈશ્વિક ઊર્જા સુરક્ષા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

જ્યારે વિદેશ મંત્રાલયે પણ આ ઘટના અસ્વીકાર્ય ગણાવી છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે આવા હુમલા અને નાગરિકોને નુકસાન પહોંચાડવું સ્વીકાર્ય નથી અને આ તરત બંધ થવું જોઈએ. ભારત પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે અને તેના માટે સંવાદ અને કૂટનીતિને સમર્થન આપે છે.

બીજીબાજુ યુએઈના રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે તેની વાયુ રક્ષા પ્રણાલીએ ઘણી મિસાઇલ અને ડ્રોનને નિષ્ફળ બનાવ્યા હતાં પરંતુ ફુજૈરાહમાં એક ડ્રોન હુમલાના કારણે ઓઈલ સુવિધામાં આગ લાગી હતી. જેમાં ત્યાં કામ કરતા ત્રણ ભારતીયો ઘાયલ થયા હતાં. આ દરમિયાન બ્રિટિશ સેનાએ પણ સમુદ્રમાં બે જહાજોમાં આગ લાગવાની માહિતી આપી હતી.

જો કે ઈરાને આ હુમલાની સીધી જવાબદારી લીધી નથી. તેના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ કહ્યું હતું કે અમેરિકા અને યુએઈએ સ્થિતિને વધુ બગાડવાથી બચવું જોઈએ.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક